ખેડૂતોએ મરચાં વીણવાનું બંધ કર્યું

ખેડૂતોએ મરચાં વીણવાનું બંધ કર્યું
મરચાં લાલ થાય ત્યાં સુધી પકવશે
 
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.16 અૉકટો.
ગોંડલના પ્રખ્યાત રેશમપટ્ટો અને ઘોલરની સિઝન જાન્યુઆરી મહિનાથી શરૂ થતી હોય છે પણ પાછલા ચારેક વર્ષથી વહેલી પાકતી મરચાંની હાઇબ્રિડ વેરાઇટી ચલણમાં છે. ખેડૂતો હાઇબ્રિડ મરચાંનું ગોંડલ પંથકમાં ખૂબ વાવેતર કરે છે. જોકે, આ વર્ષે ભાવ ગબડી જતા ખેડૂતો હવે લીલાં મરચાં વેંચવાને બદલે પ્લાન્ટ ઉપર હવે લાલ થવા દઇ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં લાલ મરચાં સોસ અને ચટણી બનાવવા માટે ખૂબ વપરાય છે.
ગોંડલ નજીક કોલીથડ, ત્રાકુડા અને રામોદ તથા સુરેન્દ્રનગરના ચૂડા પંથકના ગામડાંઓમાં હાઇબ્રિડ મરચાંનું વાવેતર થાય છે. ચોમાસાંમાં વવાયેલા મરચાં લીલાં હોય ત્યારે જ શાકભાજીમાં વેંચી દેવામાં આવતા હોય છે એમ એક ખેડૂતે કહ્યું હતું. જોકે, આ વર્ષે એક કિલોના ભાવ રૂા. 1.5થી 3 સુધી ઘટી જતા હવે ખેડૂતોએ લીલાં મરચાં વીણવાને બદલે પકવીને લાલ બનાવવાનું શરૂ કર્યું છે. લીલાં મરચાંની સામાન્ય રીતે બે વીણી આવે છે પણ ખેડૂતો હવે તોડતા નથી.
ખેડૂતો કહે છે,લીલાં મરચાં હોય ત્યારે વીણી લેવા પડતા હોય છે. જો એમ ન કરવામાં આવે તો મરચાંના છોડનો વિકાસ રૂંધાય છે. જોકે, ભાવ ખૂબ નીચાં છે એટલે ખેડૂતો મફતમાં વેંચવાને સ્થાને છોડને નુક્સાન કરી રહ્યા છે. અલબત્ત બાદમાં લાલ મરચાંના ભાવ સારાં મળશે એવી ગણતરી ખેડૂતો મૂકી રહ્યા છે. ખેડૂતોની વેચવાલી ઘટતા આજે એક કિલોએ રૂા. 5થી 15ના ભાવે કિલો વેંચાવા લાગ્યા છે. લાલ થયા પછી કદાચ રૂા. 20 સુધી પણ મળશે એવું ખેડૂતો માની રહ્યા છે.
હાઇબ્રિડ મરચાં સૌરાષ્ટ્રમાં હવે ચલણમાં છે તેનું મુખ્ય કારણ વહેલા પાકતા હોવાનું છે. રેશમપટ્ટો અને ઘોલરનું પરંપરાગત મરચું લાંબા સમયે પાકે છે. ચોમાસામાં લીધેલો પાક ફેબ્રુઆરીમાં બજારમાં આવે છે. હાઇબ્રિડ જાતો નવેમ્બર-ડિસેમ્બરથી બજારમાં આવવા લાગે છે. ખેડૂતોને મુખ્ય પાકોમાં ઓછું વળતર મળ્યું હતું એટલે મરચાંના વાવેતર આ વર્ષે વધારે થયા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer