કાપડ ઉદ્યોગને અૉક્સિજનની જરૂર

કાપડ ઉદ્યોગને અૉક્સિજનની જરૂર
દક્ષિણ ગુજરાત ચેમ્બરની ઉદ્યોગ કમિશનરને રજૂઆત
 
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 16 અૉક્ટો.
કાપડઉદ્યોગને મંદીમાંથી ઉગારવા અને બેઠો કરવા માટે ઇમરજન્સી અૉક્સિજનની જરૂર હોવાનું કાપડઉદ્યોગનાં નિષ્ણાંતો સ્પષ્ટપણે માને છે. દક્ષિણ ગુજરાત ચેમ્બર અૉફ કૉમર્સના પ્રતિનિધિ મંડળે ઉદ્યોગ કમિશનર મમતા વર્માને મળીને કાપડઉદ્યોગને ઉગારવા માટે સ્પેશિયલ પેકેજની માગ કરી છે. જોકે, ચેમ્બરનાં પ્રતિનિધિમંડળમાંથી વિવર્સ સંગઠન ફોગવાની બાદબાકી કરવામાં આવતાં વિવર્સ વિફર્યા છે.
દક્ષિણ ગુજરાત ચેમ્બરનાં પ્રમુખ હેતલ મહેતા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, કાપડઉદ્યોગને મરણતોલ ફટકો પહોંચ્યો છે. ઉગારવા માટે પ્રોત્સાહક રાહત પેકેજની જરૂરિયાત છે. અમે ઉદ્યોગ કમિશનર મમતા વર્માને મહારાષ્ટ્રની તર્જ પર પ્રોત્સાહક કાપડનીતિ લાવવા માટે રજૂઆત કરી છે. આ ઉપરાંત રૂા. 650 કરોડની વ્યાજ સબસિડી સરકાર રિલીઝ કરે. ગુજરાતમાં પાવરલૂમ યુનિટોને રૂા. 7.50નાં ભાવે વીજળી મળે છે અને મહારાષ્ટ્રનાં નવાપુરમાં યુનિટોને રૂા. 3.50નાં ભાવે વીજળી મળે છે. સુરતથી પાવરલૂમ યુનિટોને નવાપુર ટ્રાન્સફર થતાં અટકાવવા માટે રાજ્ય સરકારે તાબડતોબ નિર્ણય લેવાની જરૂરિયાત છે. 
આ ઉપરાંત મહારાષ્ટ્રમાં કેપિટલ રોકાણમાં 35 સુધીની સબસિડી અને કોઈપણ પ્રકારની કેપ લિમિટ નથી. ગુજરાતમાં શહેરી વિસ્તારમાં 10 ટકા અને ગ્રામ્ય વિસ્તારમાં 15 ટકા સુધીની લિમિટ છે.  આ નિયંત્રણ ઉઠાવી લેવાની જરૂર છે. નવા ટેક્સટાઈલ ઝોન ઊભા કરવામાં આવે અને સુરતનાં ખજોદમાં આકાર લેનાર ડ્રીમ સિટીમાં ટેક્સટાઈલ યુનિવિર્સટીનું કામ ઝડપથી શરૂ કરવામાં આવે.
ઉદ્યોગ કમિશનર મમતા વર્મા સાથેની બેઠકમાં ચેમ્બરનાં પ્રતિનિધિમંડળમાં પ્રમુખ હેતલ મહેતા, ટેક્સેશન કમિટીનાં હેમંત દેસાઈ, દક્ષિણ ગુજરાત વોર્પ ઍન્ડ નિટિંગ ઍસોસિયેશનનાં જવાહરભાઈ સહિતનાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, સૌથી વધુ મુશ્કેલી વિવિંગ ઉદ્યોગને જીએસટી ક્રેડિટ રિફંડનાં મામલે છે. ફોગવાનાં પ્રતિનિધિઓને બેઠકમાં આમંત્રણ અપાયું ન હતું. જેનાં કારણે ફોગવાનાં આગેવાનોમાં ભારે નારાજગી જોવા મળી છે. 
આ મામલે ચેમ્બર પ્રમુખ હેતલ મહેતાએ કહ્યું હતું કે, અમે કદી ફોગવાનો વિરોધ કર્યો નથી. ફોગવા જ જાહેરમાં ચેમ્બરનો વિરોધ કરે છે. ચેમ્બરે અત્યાર સુધી તમામ સ્તરે વિવિંગ ઉદ્યોગનાં તમામ પ્રશ્નો અને મુદ્દાઓની રજૂઆત કરી છે અને વિવર્સનાં પ્રશ્ને ચેમ્બર સતત જાગૃત્ત છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer