દિવાળી પૂર્વે હીરાના કારીગરોને છૂટા કરાતાં ભારે નારાજગી

દિવાળી પૂર્વે હીરાના કારીગરોને છૂટા કરાતાં ભારે નારાજગી
કાયદા-કાનૂન મુજબ કાર્યવાહી કરવા રત્નકલાકારોની માગ 
ખ્યાતિ જોશી
સુરત, તા. 16 અૉક્ટો.
વૈશ્વિક સ્તરે પૉલિશ્ડ ડાયમંડની માગ ઓછી થતાં તેની સીધી અસર સુરતનાં હીરાઉદ્યોગમાં જોવા મળી રહી છે.  દિવાળી પહેલાં ટોચની ડાયમંડ કંપની કિરણ એક્સપોર્ટે 300 જેટલાં કારીગરોને છૂટા કરી દેતાં હોબાળો મચ્યો છે. કારીગરોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને મજૂર કાયદો અને એકમ કાયદા મુજબ કાયદેસરની કાર્યવાહી કરવાની માગ થઇ છે.
કારીગરોને છૂટા કરી દેવા મામલે કિરણ એક્સ્પોર્ટમાં છૂટા થયેલાં રત્નકલાકાર દિવ્યાંગ માંગુકિયાએ કહ્યું હતું કે અમને કોઈપણ પ્રકારનું કારણ આપ્યા 300 જેટલાં કારીગરોને છૂટા કરી દીધા છે. અમે આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને કંપનીનાં માલિકો અને મૅનેજરો સામે કાયદેસરનાં પગલાં ભરવા વિનંતી કરી છે. કંપનીનાં માલિકે એક રત્નકલાકાર પર હાથ પણ ઉપાડયો હોવાનું તેમણે કહ્યું હતું. રત્નકલાકારને જાનથી મારી નાખવાની ધમકી કંપનીએ ઉચ્ચારી હોવાનું આવેદનપત્રમાં ટાંકવામાં આવ્યું છે. કારીગરો સાથે કરાયેલાં ધૃણાસ્પદ વ્યવહારનું સોગંધનામું 18 જેટલાં રત્નકલાકારોએ કરાવ્યું છે. 
દિવાળી સમયે જ પગાર અને બોનસ આપવામાંથી છટકવા માટે આ પ્રકારનાં હથકંડા કેટલીક કંપનીઓ અજમાવી રહી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. કિરણ એક્સ્પોર્ટે કેટલાંક રત્નકલાકારો પાસે પગાર વધારાનાં રૂપિયા પણ પાછા કંપનીમાં જમા કરાવવા સૂચના આપી છે. તેમ જ નોટિસ આપ્યા વિના છૂટા કરાવ્યા સાથે કોરા કાગળો પર સહિ કરાવી હોવાનું સામે આવ્યું છે. જે રત્નકલાકાર સહિ નહિ કરે તેને પગાર નહિ મળે તેવી ધમકી આપવામાં આવી છે. 
હીરાઉદ્યોગની પરિસ્થિતિ પહેલાનાં વર્ષો કરતાં થોડી નબળી હોવાનું સ્પષ્ટ થયું છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર અને અમરેલીમાં રત્નકલાકારોને છૂટા કરી દેવાયા છે. સુરતમાં રત્નકલાકારોને છૂટા કરી દેવાની શરૂઆત થઈ ચૂકી છે. સામાન્યત: સંજોગોમાં દિવાળી વેકેશન 21 દિવસનું પડે છે. પરંતુ, જે પ્રકારે વૈશ્વિક માહોલ બન્યો છે તે જોતાં વેકેશન પૂરું થયા બાદ બજાર સુધરે તેવી આશા નહિવત્ત છે. આથી નાના કારખાનેદારોએ ફરજિયાત વેકેશન 1 મહિનો લંબાવું પડે તેમ છે.  
ગત મહિને સુરતમાં અલગ અલગ ત્રણ કિસ્સામાં રત્નકલાકારે આપઘાત કરી લીધાનું પ્રકાશમાં આવ્યું છે. આ પાછળ આર્થિક ભીંસ હોવાનું કારણ છે. આર્થિક ભીંસમાં સપડાયેલાં રત્નકલાકારો પરિસ્થિતિનો સામનો કરવાને બદલે અંતિમ પગલું ભરી લેતા થયા છે. જે સમાજમાં ચિંતાનો વિષય બન્યો છે. 
ડાયમંડ સિટી સુરતમાં સાત લાખ રત્નકલાકારોને રોજીરોટી હીરાઉદ્યોગ પૂરી પાડે છે. પાછલાં છ માસમાં કેટલાંક નાના કારખાનેદારો આર્થિક સંકડામણ અનુભવતાં કારીગરોને છૂટા કર્યા છે. સુરતમાં પાછલાં છમાસમાં રત્નકલાકારોને છૂટા કર્યા હોવાનો આંક 25 હજાર સુધી પહોંચ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer