એલ્યુમિનિયમના ભાવ ત્રણ મહિનાની ટોચે શા માટે ?

એલ્યુમિનિયમના ભાવ ત્રણ મહિનાની ટોચે શા માટે ?
મુંબઈ, તા.16 અૉક્ટો.
ટ્રેડ વોર અને બેઝ મેટલની વધુ પડતી માગની સમસ્યા હોવા છતાં પુરવઠો વધવાની ચિંતાએ એલ્યુમિનિયમના ભાવ ત્રણ મહિનાની ટોચે પહોંચ્યા છે. એમસીએક્સ વાયદા બજારમાં એલ્યુમિનિયમના ભાવ જુલાઈમાં નીચલી સપાટીને સ્પર્શયા બાદ અૉક્ટોબરમાં 20 ટકાથી પણ વધ્યા છે.
ખોરવાયેલો પુરવઠો
બ્રાઝિલ અને રશિયાના અગ્રણી વૈશ્વિક એકમોમાંથી સપ્લાય ઓછી થતા તેમ જ અૉસ્ટ્રેલિયાની એલ્યુમિનિયા રિફાઈનરીઝમાં મજૂરોએ હડતાળ પાડતાં વૈશ્વિક બજારમાં એલ્યુમિનાનો પુરવઠો ઘટયો છે. 
નોર્વેની મેટલ કંપની નોસર્ક હાઈડ્રોએ પર્યાવરણ સંબંધિત કારણોને લીધે બ્રાઝિલની એલ્યુમિના રિફાઈનરીનું કામકાજ હાલપૂરતું બંધ રાખ્યું છે. બ્રાઝિલ સરકાર સાથેના મતભેદોને લીધે કંપની માર્ચ મહિનાથી 50 ટકા ક્ષમતાથી જ કામ કરી રહી છે. એલ્યુમિનિયમ બનાવવા માટે એલ્યુમિના મુખ્ય ઘટક છે. આથી એલ્યુમિનિયાની રિફાઈનરીઓમાં કામકાજ બંધ થવાથી એલ્યુમિના ભાવ વધશે. 
રશિયાની રુસેલ વિશ્વમાં એલ્યુમિનિયમના ઉત્પાદનમાં બીજા ક્રમાંકે આવે છે. માર્ચ મહિનામાં કંપનીઓ ઉપર અમેરિકાએ નિયંત્રણો લાદતાં એલ્યુમિનિયમના ભાવ વધ્યા છે. ટ્રેડ વોરની ચિંતા હજુ પણ તોળાય છે. વિશ્વના કુલ એલ્યુમિનિયમ ઉત્પાદનમાં રુસેલનો હિસ્સો છ ટકા છે. કંપની વિશ્વના અનેક ભાગોમાં ખાણ અને સ્મેલ્ટર્સનું સંચાલન કરે છે. રુસેલનું એક તૃતિયાંશ ઉત્પાદન રશિયાની બહારથી થાય છે. 
પશ્ચિમ અૉસ્ટ્રેલિયાની કંપની અલ્કોઆમાં આઠમી અૉગસ્ટથી કર્મચારીઓ હડતાળ ઉપર છે. આ હડતાળે એલ્યુમિના અને વોકસાઈટના ઉત્પાદન ઉપર દબાણ વધ્યું છે. 
ચીનની અસર
ચીનમાં અનેક ખાણો બંધ થવાના અહેવાલોથી વૈશ્વિક ઈન્વેન્ટરીઝ ઘટવાની ચિંતા સર્જાઈ હતી. પરંતુ હવે માત્ર કેટલીક ખાણોનાં કામકાજ બંધ થવાના અહેવાલોને પગલે ચિંતા હળવી થઈ છે.  ચીન હવાના પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે કેટલાક ઉદ્યોગો ઉપર નિયંત્રણ મૂકીને કોલસાને બદલે ગૅસ અથવા ઈલેકટ્રિક પ્રણાલી અપનાવી રહ્યું છે. ચીને 30-50 ટકા ઉત્પાદન ઘટાડવાનો લક્ષ્ય રાખતાં વૈશ્વિક મેટલ ઉદ્યોગ ઉપર પ્રતિકૂળ અસર પડવાની ધારણા હતી. પરંતુ સરકારે આ યોજના પડતી મૂકીને સ્થાનિક કક્ષાએ પ્રદૂષણની માત્રાને આધારે સ્થાનિક સત્તાવાળાને પોતાની મેળે ઉત્પાદન ઉપર નિયંત્રણની યોજના અપનાવવાની છૂટ આપી છે.
લંડન મેટલ ઍક્સચેન્જ ઉપર હલચલ
લંડન મેટલ એક્સચેન્જમાં ડિલિવરી વિનાની ઈન્વેન્ટરીઝ છેલ્લાં એક દશકની નીચલી સપાટીએ છે, જેથી સપ્લાય ખોરવાય તેવા સંકેતો છે. એલએમઈએ એ વાતની પુષ્ટિ કરી કે વખારોમાં જથ્થો 10 લાખથી ઓછો છે, જે માર્ચ 2008 પછી સૌથી ઓછો છે. ફેબ્રુઆરી 2014માં આ આંકડો 80 ટકાથી પણ વધુ હતો. આ જ સમયે ચીનની વખારોમાં જથ્થો વિક્રમી ટોચની નજીક હતો. ભવિષ્યમાં ચીન સપ્લાય ઓછી કરશે. ટ્રેડ વોરની ચિંતા, અમેરિકાના વધતા વ્યાજદર, ડૉલર મજબૂત બનતા અને ચીનમાં મંદી આવતા બજારનું સેન્ટિમેન્ટ ખોરવાશે, તેવું નિષ્ણાતોનું અનુમાન છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer