દેશનાં પાંચ રાજ્યોમાં ફોલ આર્મીવોર્મનો પ્રકોપ

દેશનાં પાંચ રાજ્યોમાં ફોલ આર્મીવોર્મનો પ્રકોપ
સોલાપુરમાં મકાઈ - શેરડીના પાકમાં જંતુનો ઉપદ્રવ
 
પુણે, તા. 16 અૉક્ટો.
મહારાષ્ટ્રમાં મળી આવેલા ભયાવહ જંતુ આર્મીવોર્મથી અનાજની વૈશ્વિક સુરક્ષા સામે ભય સર્જાયો હોવાનું બેંગલુરુ સ્થિત નેશનલ બ્યુરો અૉફ એગ્રીકલ્ચરલ ઇન્સેક્ટ રિસોર્સિસે કહ્યું હતું.
કીટ વિજ્ઞાનીઓને શેરડીના પાકમાં આ જંતુઓની હાજરી જોવા મળી હોવા છતાં ભારતની અગ્રણી સંસ્થાઓના વૈજ્ઞાનિકોને તે ચોખામાં નહીં હોવાની આશા છે. જો આ જંતુ ચોખામાં ફેલાય તો તે અતિશય ગંભીર બાબત બનશે. મે મહિનામાં સૌ પ્રથમવાર કર્ણાટકમાં આ જંતુ મળી આવ્યા હતાં. તામિલનાડુ, તેલંગણ, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં ફોલઆર્મીવૉર્મની પુષ્ટિ થઈ છે. `અમે પાકના વિકાસના તબક્કામાં તે શોધી કાઢયા છે. જોકે લણણીના સમયે એને કારણે ખાસ નુકસાન નહિ થાય. એમ વૈજ્ઞાનિકે જણાવ્યું હતું.
આ જંતુઓ અન્ય પાક પર ફેલાવાની સંભાવનાથી વૈજ્ઞાનિકો ચિંતિત છે. મહારાષ્ટ્રના સોલાપુરમાં ફોલ આર્મીવોર્મ મકાઈ ઉપરાંત શેરડીના પાક ઉપર મળી આવ્યા છે. એમ ત્યાંના કૃષિવિજ્ઞાની અંકુશ ચોરમુલેએ કહ્યું હતું.
શેરડીના પાક પર આ જંતુઓની હાજરી હોવાની પુષ્ટિ માટે લેબોરેટરીના અહેવાલની રાહ જોવાઈ રહી છે. જે ઝડપે આ જંતુઓ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ફેલાઈ રહ્યા છે. તે જોતાં જણાય છે કે તે ભારતમાં થોડાંક વર્ષો અગાઉ આવ્યા હોવા જોઇએ. મહારાષ્ટ્રના કૃષિ વિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે તેઓએ જંતુઓના નિયંત્રણ વિશે માર્ગદર્શિકા આપી છે.
`અમે રવી અને ઉનાળુ પાક દરમિયાન રાજ્યના ક્રોપસેપ પ્રોજેક્ટ હેઠળ ફોલ આર્મીવૉર્મને ચાંપતી દેખરેખ હેઠળ 
સામેલ કરવાના છીએ,' એમ અધિકારીએ જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer