જીરુંમાં મજબૂત સેન્ટિમેન્ટ બાદ કોન્સોલિડેશનની સંભાવના

જીરુંમાં મજબૂત સેન્ટિમેન્ટ બાદ કોન્સોલિડેશનની સંભાવના
વનેશ પંચાલ
અમદાવાદ, તા. 16 અૉક્ટો.
આ સપ્તાહે જીરુંમાં મજબૂત રિકવરી જોવા મળી હતી અને તે રૂા. 20,000 પ્રતિ ક્વિન્ટલના સાઈકૉલૉજિકલ લેવલ પર ટકી રહ્યું હતું. જેનું મુખ્ય કારણ મજબૂત સેન્ટિમેન્ટ હતું. ગુજરાતમાં સરેરાશથી નીચા વરસાદને કારણે જીરુંના વાવેતર પર પ્રતિકૂળ અસર થવાની છે. ચાલુ મહિનાની આખરમાં જીરુંનું વાવેતર ચાલુ થશે. કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપરાંત પશ્ચિમ અને દક્ષિણ રાજસ્થાનમાં પણ વરસાદની મોટી ખાધ જોવા મળે છે અને તેને કારણે કૉમોડિટીના ભાવમાં લાંબાગાળા માટે મજબૂતી જોવા મળી શકે છે.
વાવેતરના સમયગાળા દરમિયાન જમીનમાં ભેજના ઊંચા પ્રમાણ માટે વરસાદ જરૂરી બનશે. જો આમ થશે તો વાવેતર સારું જોવા મળી શકે છે. જોકે, હાલમાં વરસાદના કોઈ આસાર નથી અને તેથી જીરુંના ભાવમાં મજબૂતી ટકી રહેવાની અપેક્ષા છે. ઉપરાંત સારી નિકાસ માગ અને સ્થાનિક બજારમાં તહેવારોની માગનો સપોર્ટ મળી રહેશે.
રૂપિયામાં નરમાઈને કારણે નિકાસને લાભ મળશે. ખાસ કરીને ચીન તરફથી માગ વધી રહી છે. જે જીરું માટે મોટી પોઝિટિવ પરિબળ છે. ઊંચા ભાવને કારણે ગયા વર્ષે વાવેતર ઊંચું થયું હતું અને 65-75 લાખ બેગ (પ્રતિ બેગ 55 કિગ્રા.)ના પાકનો અંદાજ હતો. જોકે, ચાલુ સિઝનમાં વાવેતર 25 ટકા જેટલું ઘટવાનો અંદાજ સેવાઈ રહ્યો છે. ગઈ સાલ 7.8 લાખ હેકટર વિસ્તારમાં જીરુંનું વાવેતર નોંધાયું હતું. જો સ્થિતિ નહિ સુધરે તો નવી સિઝનમાં જીરુંનો પાક ઘટીને 55 લાખ બેગ જોવા મળી શકે છે. જીઓ-પોલિટિકલ તણાવને કારણે તૂર્કી અને સિરિયા જેવા દેશમાં ઉત્પાદન ઘટી રહ્યું છે. જેનો લાભ ભારતને મળી રહ્યો છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 1.25 લાખ ટનની નિકાસનો અંદાજ છે. જે નાણાકીય વર્ષના અંત સુધીમાં 1.75 લાખ ટનના વિક્રમી સ્તરે જોવા મળે તેવી શક્યતા છે.
2014માં 1.55 લાખ ટનની વિક્રમી નિકાસ થઈ હતી. 2017-18માં દેશમાંથી 1.44 લાખ ટન જીરુંની નિકાસ થઈ હતી. જે જથ્થાની રીતે 21 ટકા અને મૂલ્યની રીતે 23 ટકાની વૃદ્ધિ સૂચવતું હતું. ચીનની માગમાં વૃદ્ધિ તેમ જ અખાતી દેશો પણ ભારત તરફ વળતાં નિકાસ માગ વધી છે.
મજબૂત ફંડામેન્ટલ્સને જોતાં જીરુંના ભાવ વર્તમાન સપાટીએથી ઘટવાની જગા ઓછી જણાય છે. મંગળવારે એનસીડેક્સ ખાતે નવેમ્બર ફ્યુચર્સમાં એક ટકાનો ઘટાડો જોવાતો હતો. તાજેતરની મજબૂતી બાદ હાલમાં જીરું ફ્યુચર્સમાં કોન્સોલિડેશન જોવા મળે તેવું જણાય છે. (લેખક બિલાઈન બ્રાકિંગના ડિરેક્ટર છે)

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer