ક્રૂડ અૉઇલના ભાવ $ 100ની ઉપર જવા મુશ્કેલ

ક્રૂડ અૉઇલના ભાવ $ 100ની ઉપર જવા મુશ્કેલ
લંડન અૉઈલ ઍન્ડ મની કૉન્ફરન્સમાં 2019 માટેની આગાહીમાં સાવધાની
 
ઈબ્રાહિમ પટેલ  
મુંબઈ, તા. 16 અૉકટો.
અમેરિકા અને સાઉદી અરેબિયા વચ્ચે વધી રહેલા રાજકીય ઘર્ષણે ક્રૂડ અૉઈલના ભાવ ઊંચે જવા માટે કારણ આપ્યું છે. સટ્ટોડિયા કહે છે કે જો અમેરિકા વેપાર પ્રતિબંધ મુકે અને સાઉદી અરેબિયા વળતો ઘા કરે તો ભાવ 100 ડૉલર કે તેથી પણ વધુ ઉપર જઈ શકે છે. 100 ડૉલરનો ભાવ સટ્ટોડિયાનાં રડારમાંથી ભલે બહાર ન ગયો હોય પણ વધી રહેલા ઉત્પાદન અને ઊંચા ભાવે ઘટવા લાગેલી માગ, ભાવને ત્રણ આંકડે જવામાં બાધા જરૂર ઊભી કરશે. એટલું જ નહી દરેક ઉછાળે નફારૂપી વેચવાલીની તકો પણ કોઈ છોડવા તૈયાર નહિ થાય. ગત સપ્તાહે લંડન ખાતે મળેલી અૉઈલ ઍન્ડ મની કૉન્ફરન્સમાં મહત્તમ એનાલિસ્ટોએ ટૂંકાગાળા, ખાસ કરીને નવેમ્બરમાં ક્રૂડ અૉઈલમાં તેજીનો મુડ વ્યક્ત કર્યો હતો. 
સાઉદી અરેબિયાના નામી પત્રકાર જમાલ ખાસોગી ગુમ થયાના અહેવાલ પછી સોમવારે બજારમાં વધેલા ટેન્શન વચ્ચે ક્રૂડ અૉઇલના ભાવ વધ્યા હતા, પણ લાંબાગાળાની માગ બાબતે વ્યક્ત થતી નિરાશાએ બજારના લોંગટર્મ સેન્ટિમેન્ટને નબળું પાડી દીધું હતું. એક તબક્કે બ્રેન્ટ ક્રૂડ 81.92 ડૉલરની ઊંચાઈએ જઈને 80.42 ડૉલર અને યુએસ ક્રૂડ 71.78 ડૉલરે આવી ગયા હતા. ટ્રેઝરી અને ઈક્વિટી બજારની વેચવાલી કૉમોડીટી બજાર સુધી વિસ્તરતા, બ્રેન્ટ વાયદો 3 અૉક્ટોબરે 86.74 ડૉલરની વાર્ષિક ઊંચાઈએથી અત્યાર સુધીમાં 6 ડૉલર ઘટ્યો છે. જોકે, ઊંચા ભાવે માગ નબળી પડી જવાના સંયોગ જોતા લંડન કૉન્ફરન્સમાં 2019 માટેની આગાહીઓ અત્યંત સાવધપણે મુકાતી હતી.  
ગત સપ્તાહે આઈએમએફ એ જાગતિક વિકાસદર ધીમો પડવાની આગાહી કર્યા પછી ઓપેકએ પણ ચેતવણીના સૂરમાં કહ્યું હતું કે આગામી વર્ષે ક્રૂડની માગ ઘટવાના સંકેત મળી રહ્યા છે. આ પછી તરતજ ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીએ પણ 2018 અને 2019માં ક્રૂડ અૉઈલની માગ વૃદ્ધિની આગાહીમાં ઘટાડો કર્યો હતો. એજન્સીએ માગ વૃદ્ધિમાં દૈનિક 1.10 લાખ બેરલનો વધુ ઘટાડો કરીને 13થી 14 લાખ બેરલ દૈનિક ઘટાડાનો અંદાજ મુક્યો હતો. આઈઈએ કહે છે કે ટ્રેડ વોર, ઊંચા ક્રૂડ ભાવ અને નબળા વિકાસદરનાં ટેન્શન, વર્તમાન અને આગામી વર્ષે ક્રૂડની માગ પર ધરખમ દબાણ લાવશે.      
અમેરિકા અને ચીને એક બીજાના આયાતી સામાન પર તાજેતરના મહિનાઓમાં આયાત જકાત નાખી હતી. ત્યારથી જાગતિક વિકાસના અનુમાનો ઘટવા શરૂ થઇ ગયા હતા, તે સાથે શૅરબજાર પણ ગબડવા લાગ્યા હતા. મજબૂત થતા ડૉલરે ઉભરતા અર્થતંત્રોની કરન્સીને નીચે જવાની ફરજ પાડી હતી, પરિણામે મોટા ક્રૂડ અૉઈલ વપરાશકાર દેશોની કૉમોડિટી આયાત મોંઘી પાડવા લાગી છે. આઈઈએ કહે છે કે અત્યારે બજારમાં ક્રૂડ અૉઈલનો વધુ પડતો પુરવઠો ફરી રહ્યો છે, પણ ઊંચા ભાવની બીકના માર્યા વધી રહેલી માગ અને વધુ પડતા પુરવઠાએ તેજીની સીસ્ટમ બનવા પર મર્યાદાઓ મૂકી રાખી છે. 
આઈઈએ તો ત્યાં સુધી કહે છે કે ડૉલર સામે નબળા ચલણો અને ક્રૂડના ઊંચા ભાવે વિકાસ પામતા દેશોનાં અર્થતંત્રોમાં વધુ ભંગાણ પડવાનો ભય ઊભો કર્યો છે. નબળી માગની આગાહીઓને ક્રૂડ અૉઈલનાં ભાવે પૂર્ણરૂપે ડિસ્કાઉન્ટ નથી કરી એ અત્યારે ચાવીરૂપ મુદ્દો છે. છેલ્લા છ મહિનાથી અમેરિકા બહારના દેશોમાં ખાસ કરીને ઈમર્જિંગ માર્કેટોની જ નહિ પણ યુરોપની પણ આર્થિક પ્રવૃત્તિઓની સાઈકલ ધીમી પડી ગઈ છે અને આવી સ્થિતિ હજુ આગળ ઉપર પણ જળવાઈ રહેશે. હવે અહી પ્રશ્ન એ છે કે અમેરિકાનાં મિત્ર એવા વિશ્વના સૌથી મોટા અૉઈલ નિકાસકાર સાઉદી અરેબિયા કોઈ અભૂતપૂર્વ પગલું ભરશે કે નહિ? 1973-74 પછી તો આવો અરબ એમ્બાર્ગો હાથ નથી ધરાયો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer