રૂપિયાના અવમૂલ્યનથી મોરબીના સિરામિક ઉદ્યોગને ફાયદો

રૂપિયાના અવમૂલ્યનથી મોરબીના સિરામિક ઉદ્યોગને ફાયદો
અમદાવાદ, તા. 16 અૉક્ટો. 
અમેરિકાના ડૉલર સામે રૂપિયો સતત ઘટવાથી ગુજરાતના સિરેમિક હબ કહેવાતા મોરબીમાં સિરેમિક કલ્સ્ટરને ફાયદો થયો છે. રૂપિયામાં ઘટાડો થવાથી આ ઉદ્યોગને નિકાસમાં નોંધપાત્ર ફાયદો થઈ રહ્યો છે. 
મોરબી સિરેમિક એસોસિયેશનના પ્રેસિડેન્ટ કેજી કુંડારિયાએ કહ્યું કે, હાલનો સમય અમારા માટે સારો છે. અમારા નફામાં ચારથી પાંચ ટકાનો વધારો થયો છે. ડૉલર સામે રૂપિયો ઘટવાથી અમારા નિકાસ વેપારમાં 20 ટકાની વૃદ્ધિ થશે એવી અમને આશા છે. 
સિરેમિક ઉદ્યોગે નિકાસને પ્રોત્સાહન આપવા માટે અમુક પગલાં લીધાં હોવાથી નિકાસ ઓર્ડરમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. સિરેમિકની નિકાસ કરનારા નાના અને મધ્યમ ઉત્પાદકોનો પણ નફો વધ્યો છે. કુંડારિયાએ કહ્યું કે, મોરબી 750 નાના-મધ્યમ ઉત્પાદકોનું ઘર છે અને ભારતમાં કુલ સિરેમિકના ઉત્પાદનના 90 ટકા મોરબીમાં થાય છે. મોટા ભાગના એકમો નિકાસ પણ કરે છે. નફાના ગાળામાં વધારો થવાથી આ ઉદ્યોગમાં વિસ્તરણ થશે. 
ઉદ્યોગના અંદાજ મુજબ, વર્તમાન નાણાકીય વર્ષના પહેલા છમાસિકમાં સિરેમિકની ટાઈલ્સનું નિકાસ મૂલ્ય રૂા. 6000 કરોડ હતું. 2018-19માં આ આંકડો રૂા. 12,500થી રૂા. 13,000 કરોડ સુધી પહોંચી શકે છે. ગયા વર્ષે નિકાસ રૂા. 10,000 કરોડ હતી. જોકે, રૂપિયામાં અવમૂલ્યનથી ખાસ ફાયદો થશે નહીં એમ મોટા ઉદ્યોગનું માનવું છે. કારણ કે, દેશમાં ઊર્જા ખર્ચ અને પરિવહન ખર્ચમાં વધારો થશે. એશિયન ગ્રેનિટોના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર કમલેશ પટેલે કહ્યું કે, સંગઠિત ક્ષેત્રને ખાસ ફાયદો થશે નહીં કારણ કે અન્ય ખર્ચ જેવા કે પરિવહન, આયાત મટેરિયલ અને ઊર્જા ખર્ચમાં વધારો થશે. 
ઉપરાંત મોટા ખેલાડીઓ નિકાસ ઉપર નહીં પરંતુ સ્થાનિક ધંધા ઉપર ધ્યાન આપી રહ્યા છે. આથી રૂપિયામાં ઘટાડો થવાથી વેપાર ઉપર પ્રતિકૂળ અસર જ થશે. સોમ્ય સિરેમિકના સીઈઓ અને પશ્ચિમ સિરેમિક સોસાયટીના વેસ્ટ ઝોનના કાઉન્સિલ મેમ્બર જીસી ત્રિવેદીએ કહ્યું કે, મોરબીસ્થિત ઉત્પાદકો નિકાસ ઉપર વધુ ધ્યાન આપી રહ્યા છે અને તેથી જ માર્જિન વધ્યું છે. 
વિશ્વમાં સિરેમિક ઉત્પાદનમાં મોરબી ચીન અને ઈટલી પછી ત્રીજા ક્રમાંકે છે. ભારતીય સિરેમિક ઉદ્યોગનું ટર્નઓવર વાર્ષિક રૂા. 33,000 કરોડ છે, જેમાં ફક્ત મોરબીનો જ વાર્ષિક રૂા. 30,000 કરોડ ફાળો છે. આ શહેર 4.50 લાખ રોજગાર પૂરા પાડે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer