શૅરબજારમાં ચુનંદા શૅરમાં નિફટી 72 પૉઈન્ટના સુધારે 10585

શૅરબજારમાં ચુનંદા શૅરમાં નિફટી 72 પૉઈન્ટના સુધારે 10585
વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 16 અૉક્ટો.
શૅરબજારમાં આજે વૈશ્વિક બજારોના સકારાત્મક અહેવાલને પગલે સુધારે બંધ રહ્યું હતું. ટ્રેડિંગની શરૂઆતથી બજાર સતત સકારાત્મક રહ્યું હતું. નિફટીએ 38 પૉઈન્ટના સુધારે 10550 ખૂલ્યા પછી 10604.90 સુધી જતાં અગાઉ 10525ની દૈનિક બોટમ બનાવી હતી. જોકે, સત્રના મધ્યમાં સટ્ટાકીય લે-વેચને લીધે બજારમાં 30થી 40 પૉઈન્ટની સતત વધઘટ પછી ટ્રેડિંગ અંતે એનએસઈ ખાતે નિફટી 72 પૉઈન્ટ સુધારીને 10585 બંધ રહ્યો હતો. જ્યારે બીએસઈ ખાતે સેન્સેક્ષ 297 પૉઈન્ટ વધીને 35162 બંધ હતો.
આજની બજારમાં મુખ્યત્વે વૈશ્વિક બજારો અને એશિયામાં સકારાત્મક મૂડના પગલે સ્થાનિકમાં થોડીક રોકાણરૂપી કેટલાક શૅરમાં લેવાલી જોવાઈ હતી. આજના સુધારામાં ક્ષેત્રવાર નહીં, પરંતુ વ્યક્તિગત શૅરોમાં વધઘટ હતી. આજે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 4 ટકા વધવા સામે આઈશર મોટર્સમાં રૂા. 432, મારુતિ સુઝુકી રૂા. 31 અને બજાજ અૉટોમાં રૂા. 10 ઘટયા હતા. જોકે, ક્રૂડતેલના ભાવ અને પુરવઠાની ચિંતા ચાલુ રહેવાથી તેલ ઉત્પાદન અને માર્કેટિંગ કંપનીના શૅરો સુધરવામાં અવરોધ ચાલુ રહ્યો છે. ઈન્ફોસીસનાં પરિણામ જાહેર થવા અગાઉ શૅરનો ભાવ આખરી ટ્રેડમાં થોડો ઘટીને બંધ રહ્યો હતો. આજે કેટલાક બૅન્કિંગ શૅરોમાં વેચવાલીના દબાણથી એચડીએફસી બૅન્ક 1 ટકા ઘટયો હતો. ઈન્ડસઈન્ડ બૅન્ક રૂા. 6 ઘટાડે હતો. જોકે, એક્સિસ બૅન્ક રૂા. 12, યસ બૅન્ક રૂા. 3, આઈસીઆઈસીઆઈ બૅન્ક રૂા. 7 અને એસબીઆઈમાં રૂા. 7નો સુધારો મુખ્ય હતો. જ્યારે એફએમસીજી અગ્રણી એચયુએલ રૂા. 20, એશિયન પેઈન્ટમાં રૂા. 17, અલ્ટ્રાટેક સિમેન્ટ અને એચડીએફસી અનુક્રમે રૂા.44 અને 23 વધ્યા હતા.
આઈટી ક્ષેત્રે ટેક મહિન્દ્રામાં રૂા. 24નો સંગીન સુધારો હતો, જ્યારે ટીસીએસ રૂા. 13 અને અદાણી પોર્ટ આખરી ક્ષણોની લેવાલીથી રૂા. 12 વધ્યો હતો, જ્યારે ઈન્ફોસીસ 0.4 ટકા ઘટીને રૂા. 696 બંધ હતો.
વ્યક્તિગત શૅરોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ટેકઓવરના અહેવાલને લીધે હેથવે કેબલ અને ડેન નેટવર્કમાં 8 ટકાનો ઉછાળો જોવાયો હતો. જ્યારે ઓપીએલ એપોલો ટયૂબનો ભાવ 6 ટકા વધ્યો હતો. એનઆઈઆઈટી 1 ટકા વધ્યો હતો. આજે આઈટી ઈન્ડેક્ષ ફલેટ હતો, જ્યારે મેટલ ઈન્ડેક્ષ ટ્રેડિંગ દરમિયાન 1 ટકો સુધર્યો હતો.
જોકે, આખરી તબક્કે જેએસડબ્લ્યુ સ્ટીલ રૂા. 3 અને હિન્દાલ્કો રૂા. 1 ઘટીને બંધ રહ્યો હતો.
બજાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજના ઉછાળાને સંગીન તેજીની રૂખ ગણી શકાય નહીં. અગાઉના સતત ઘટેલા બજારમાં આ પ્રકારના ઉછાળા મંદીવાળાની કાપણીથી આવતા હોવાથી તેની નાના રોકાણકારોએ અવગણના કરવી હિતાવહ રહેશે. અનેક એનલિસ્ટોએ અગાઉ પણ મધ્યમ ગાળા માટે ટેક્નિકલી બજારમાં મંદી રહેવાની ધારણા વ્યક્ત કરી છે. બીજી તરફ ઈરાન સામેના પ્રતિબંધની તારીખ નજીક આવતી જાય છે. રૂપિયો અસ્થિરતાના વમળમાં છે. જેથી મોંઘવારીનો આંક વધવાની સંભાવના છે. જેથી નવા અથવા નાના પાયે રોકાણ કરનારે અત્યંત સાવધાની રાખવી જરૂરી છે. ટેક્નિકલી હવે 10700-10720 મુખ્ય પ્રતિકાર સપાટી બને છે, જ્યારે નજીકનો ટેકો 10370 છે. માત્ર વ્યક્તિગત શૅરોમાં નીચા ભાવે લાંબા ગાળે લક્ષ્યાંકિત ખરીદી કરવી જોઈએ.
વિદેશી-એશિયન બજારો
વૈશ્વિક સ્તરે ચીન-અમેરિકા પછી હવે સાઉદી અરેબિયા અને પશ્ચિમના દેશો વચ્ચે નવા તણાવના અહેવાલ છે. જેથી એશિયન બજારનો સુધારો આજે પ્રમાણમાં સીમિત રહ્યો છે. એમએસસીઆઈ બ્રોડેસ્ટ ઈન્ડેક્ષ (એશિયા પેસિફિક) આજે ટ્રેડિંગ અંતે 0.25 ટકા સુધારે હતો, જ્યારે જપાન ખાતે નિક્કી પુન: 0.3 ટકા સુધર્યો હતો, જે અગાઉ 2 ટકા ઘટયો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer