જનરલ પ્રોવિડન્ટ ફન્ડનો વ્યાજદર વધારાયો

જનરલ પ્રોવિડન્ટ ફન્ડનો વ્યાજદર વધારાયો
નવી દિલ્હી, તા. 16 અૉક્ટો.
જનરલ પ્રોવિડન્ટ ફન્ડ અને એની સાથે સંકળાયેલી યોજનાઓ પરનો અૉક્ટોબર-ડિસેમ્બર માટેનો વ્યાજદર 0.4 ટકા વધારીને 8 ટકા કરાયો છે. હવે આ વ્યાજદર પબ્લિક પ્રોવિડન્ટ ફન્ડની સમકક્ષ બન્યો છે. જુલાઈ-સપ્ટેમ્બર માટેનો વ્યાજદર 7.6 ટકા હતો.
``નાણાકીય વર્ષ 2018-'19 દરમિયાન જનરલ પ્રોવિડન્ટ ફન્ડ અને એની સાથે સંકળાયેલી યોજનાઓમાં જમા થયેલી રકમ પર 1 અૉક્ટોબર 2018થી 31 ડિસેમ્બર 2018 સુધીના સમયગાળામાં 8 ટકાના દરે વ્યાજ આપશે'' એમ આર્થિક બાબતોના વિભાગની યાદી જણાવે છે.
આ વ્યાજદર કેન્દ્ર સરકાર, રેલવે અને સુરક્ષા દળોના કર્મચારીઓના પ્રોવિડન્ટ ફન્ડને લાગુ પડશે.
ગયા મહિને સરકારે નૅશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ અને પીપીએફ સહિતની નાની બચત યોજનાઓ પરનો વ્યાજદર ડિસેમ્બર 2018 ત્રિમાસિક માટે 0.4 ટકા વધારીને 8 ટકા કરવાની જાહેરાત કરી હતી, જેથી એ બૅન્ક ડિપૉઝિટો પરના વધી રહેલા વ્યાજદર સાથે તાલમેલ સાધી શકે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer