ખેડૂતોને સોમવારથી નર્મદા નીર મળશે

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 6 નવે.
ગુજરાતમાં ડેમોમાં પાણીની ઘટતી પરિસ્થિતિમાં રવી પાક માટે ખેડૂતોને નર્મદાનું પાણી આગામી તા. 12 નવેમ્બર, 2018થી 28 ફેબ્રુઆરી, 2019 સુધી આપવામાં આવશે એવી જાહેરાત રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઇ પટેલે કરી છે. રવી પાકોને પાણી મળવાની જાહેરાતથી ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે.
12 નવેમ્બરથી આ પાણી કેનાલમાં છોડવાની શરૂઆત કરવામાં આવશે અને 28 ફેબ્રુઆરી, 2019 સુધી ખેડૂતોના ચાર પાણ, એક-એક ખેતરમાં પાણી મળી રહે તે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે. આમ ચાર પાણનું પાણી ખેડૂતોને આપવામાં આવશે.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, સરદાર સરોવર બંધમાં જે પાણી અત્યારે સંગ્રહ થયેલું છે, તેમાંથી આખા ગુજરાતના તમામ નાગરિકોને જ્યાં જ્યાં નર્મદાનું પાણી આપણે પીવા માટે આપીએ છીએ એટલે કે લગભગ ચાર કરોડ નાગરિકોને આવતું આખું વર્ષ પૂરેપૂરું પીવાનું પાણી મળી રહે તે પ્રમાણેનું પાણી સુરક્ષિત રાખી સિંચાઇ માટે અપાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer