દિવાળી સમયે રોકડની તંગીથી મુશ્કેલી

અમદાવાદના વેપારીઓનો વડા પ્રધાનને પત્ર 

વિક્રમ સોની
અમદાવાદ, તા. 6 નવે.
દિવાળીના સમયે વેપારીઓને સામાન્ય સંજોગોમાં નાણાંની છૂટછાટ હોય છે, પરંતુ આ વર્ષે રોકડની ભારે તંગી છે. નોટબંધી અને જીએસટી બાદ મુશ્કેલી વધી છે. સરકાર ભલે કાર્ડથી ખરીદીને પ્રોત્સાહન આપે પણ કોઇ રોકડ સિવાય ધંધો કરવા તૈયાર નથી. શાખ ઉપર માલ આપે છે તેમને લોકો છેતરી રહ્યા છે એટલે વિશ્વસનીયતા જતી રહી છે, એટલે રોકડને પ્રોત્સાહન મળી રહ્યું છે.  કદાચ અછત પણ એટલે જ વધી છે.
અમદાવાદના વેપારી મહામંડળના આગેવાને વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પત્ર લખીને વિનંતી કરી છે કે રોકડ અને વેપારીઓને ઉદ્ભવતા પ્રશ્નો પ્રત્યે સહાનુભૂતિ દાખવે.  વેપારીઓની ધંધાની વર્કિંગ કેપિટલ ટેક્સમાં બ્લોક થઇ રહી છે તે માટે વેપારીઓને કેપિટલ પૈકી વ્યાજમાં બે ટકા સબસિડી આપવી જોઇએ. તેમણે જણાવ્યું છે કે મોટા ભાગના વેપારીઓ મિત્ર વર્તુળ અને સગાંસંબંધીઓ પાસેથી ઉછીના નાણાં લઇને ધંધો કરે છે જીએસટીના અમલ બાદ પેમેન્ટના પ્રશ્નો વધી ગયા છે. ઇ-વે બિલ આવ્યા બાદ જે વેપારીઓ 20 લાખથી ઓછું ટર્નઓવર કરે છે. તેઓને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સહકાર આપતો નથી.ઇ-વે બિલની લિમિટ 50,000થી વધારી 2,00,000 કરવા વિનંતી કરાઇ છે.
વેપારમાં પેમેન્ટ અને ક્રેડિટનો સમય પહેલા 60 દિવસનો હતો. તે 120 દિવસનો થયો છતાં વેપારી આપી શકતો નથી અને ઠગાઇના કિસ્સા વધી ગયા છે. ધંધાને અસર થઇ છે. વેપારમાં નાણાંની તરલતા રહે તે માટે ઇન્કમ ટેક્સની ટકાવારીના સ્લેબ ઘટાડવા અને સરકારી પ્રોત્સાહક યોજનાઓ દ્વારા ટ્રેડર્સ અને ઉદ્યોગને બળ મળે તેવી પણ વિનંતી કરાઇ છે. દિવાળીના સમયે તેમના કર્મચારીઓ તેમ જ ગુમાસ્તાઓના ઘરમાં દિવાળીના સમયે મુશ્કેલી ન સર્જાય તે માટે વેપારી વસ્તુઓનું ઉઘરાણું કરીને ઘર વખરીની બે હજાર કિટ બનાવીને મસ્કતી માર્કેટ મહાજનના ચેરમેન ગૌરાંગ ભગત અને પ્રોસેસ હાઉસના વાઇસ પ્રેસિડેન્ટે વહેંચણી કરીને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer