ઠગાઈની ઘટનાઓમાં સુરતના કાપડના વેપારીઓએ સવા કરોડથી વધુ ગુમાવ્યા

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 6 નવે.
કાપડઉદ્યોગમાં ભારે મંદી છે. મંદીમાં ઉઠમણાની ઘટનાઓ પણ બનતી રહે છે. જોકે હાલમાં ઠગાઇ પણ વધી છે. તાજેતરમાં ઠગાઈની અલગ-અલગ ઘટનાઓમાં કાપડના વેપારીઓએ સવા કરોડથી વધુની રકમ ગુમાવવાનો વખત આવ્યો છે. 
શહેરના સરથાણા જકાતનાકા પાસે રહેતાં અને પુણા પાટીયા પાસે મહાવીર ટેક્સ્ટાઈલ માર્કેટમાં કાપડની દુકાન ધરાવતા વેપારી પરેશભાઈ પટેલ સાથે મુંબઈની હાઈ ઈમ્પેક્ષ કંપનીએ રૂા. 6.29 લાખની ઠગાઈ કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે વેપારીની ફરિયાદના આધારે સચીન આહુજા અને નીતિનભાઈ રેવાવાલા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધી છે. વેપારી પરેશ પટેલ પાસેથી મુંબઈની હાઈ ઈમ્પેક્ષ કંપનીના બન્ને ભાગીદારોએ લાખો રૂપિયાનો કુર્તીનો માલ મગાવ્યો હતો. 
અગાઉ બન્ને ભાગીદારોએ પરેશ પટેલ પાસેથી રૂા. 1.34 લાખના માલનું પેમેન્ટ લાંબા સમય બાદ ચૂકવી દીધું હતું, પરંતુ તાજેતરમાં ખરીદેલા રૂા. 6.29 લાખનું પેમેન્ટ ચૂકવ્યું નથી. ભારે પેમેન્ટ ચૂકવવામાં ગલ્લા-તલ્લા કર્યા બાદ કંપનીએ એક ચેક મોકલ્યો હતો જે રિટર્ન થતાં વેપારી પરેશભાઈ પટેલને પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનો અહેસાસ થયો છે. વેપારીએ પુણા પોલીસ મથકે મુંબઈના બન્ને વેપારીઓ સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. પોલીસે સચીન અને નીતિનભાઈ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. 
બીજી એક ઘટનામાં વરાછાના પેડર રોડ સનસીટી રો હાઉસમાં રહેતા કિશોરભાઈ પટોળિયા જોબ વર્કનું કામ કરે છે. શહેરની રઘુવીર માર્કેટના ચાર વેપારીઓ નિલેશભાઈ, હિરામણી, ભરતપુરી, અશોકભાઈએ કિશોરભાઈ પાસે રૂા. 3.18 લાખનું જોબવર્કનું કામ કરાવીને ફરાર થઈ ગયા છે. બેંકમાં બેલેન્સ વિનાના ચેકો આપીને માર્કેટની દુકાનને તાળાં મારી દીધાં છે. પોલીસે આ મામલે ઠગાઈનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ત્રીજી એક ઘટનામાં કાપડના વેપારી જનકભાઈ દિલીપભાઈ ધમણવાલાને મુંબઈના વેપારીઓએ રૂા. 14.42 લાખનો ચૂનો ચોપડયો છે.  
લૂમ્સના કારખાનેદાર લાલજીભાઈ ધૂધાત પાસેથી દલાલોએ રૂા. 10.20 લાખનો માલ ખરીદી કર્યા બાદ પેમેન્ટ કર્યું નથી. લાલજીભાઈએ આ અંગેની ફરિયાદ પુણા પોલીસ મથકમાં નોંધાવી છે. યોગચીક ભાવના પાર્ક સોસાયટીમાં રહેતા અલ્પેશભાઈ દુલાભાઈ વૈષ્ણવ કાપડનો ધંધો કરે છે અને રઘુકુળ ટેક્સ્ટાઈલ માર્કેટમાં દુકાન ધરાવતા દલાલોએ તેમની સાથે રૂા. 61.64 લાખની ઠગાઈ કરી છે. જે અંગેનો ગુનો પોલીસે નોંધીને તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત સીટીલાઈટના વિપુલકુમાર જૈન સાથે જોબવર્કનાં કામમાં રૂા 23.95 લાખની ઠગાઈ થઈ છે. પોલીસે આ મામલે ઉમાપતિ ટેક્સ્ટાઈલ માર્કેટમાં વેપાર કરતાં રાજેન્દ્રભાઈ ચૌહાણ, વિનિત ખેરવાલ સામે ફરિયાદ નોંધી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer