રાજકોટમાં પીનટ પ્રમોશન કાઉન્સિલની સ્થાપના માટે તેજ બનતી ગતિવિધિ

સોમા સાથે કૃષિ મંત્રાલયના તેલીબિયાં વિભાગની બેઠક યોજાઇ : હવે રાજકોટમાં ડિસેમ્બર દરમિયાન વધુ બેઠક
 
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 6 નવે.
મગફળીના પ્રદેશ ગણાતા સૌરાષ્ટ્રમાં ઉત્પાદકતા, ઉત્પાદન, ગુણવત્તા અને નવી જાતનું સંશોધન વધે એ માટે પીનટ પ્રમોશન કાઉન્સિલની રચના કરવા માટે બે વર્ષથી પ્રયત્નો ચાલે છે. પરંતુ હવે પ્રયત્નો સફળતાની દિશા તરફ જઇ રહ્યા છે. કાઉન્સિલ રચવાનું બીડું ઝડપનાર સૌરાષ્ટ્ર ઓઇલ મિલ્સ એસોસિયેશન (સોમા)ની સાથે સોમવારે દિલ્હીમાં કૃષિ મંત્રાલયના અધિકારીઓ સાથે સફળ બેઠક યોજાઇ હતી. હવે ડિસેમ્બરમાં કૃષિ મંત્રાલયના અધિકારીઓ સોમાની મુલાકાતે આવવાના છે.
મગફળી સૌરાષ્ટ્રનો મુખ્ય પાક છે. જોકે, વર્ષોવર્ષ ઉત્પાદન ઘટતું જાય છે. પાણી-આબોહવાનું સંતુલન જરાસરખું ખોરવાય તો ઉત્પાદનને માઠી અસર પડે છે. જી 20 પછી નવું કોઇ બિયારણ આવ્યું નથી. નવું બિયારણ શોધાય, ઉત્પાદકતા વધે, ઉત્પાદનમાં વૃદ્ધિ થાય અને મગફળીની ગુણવત્તા પણ સુધરે તે માટે નક્કર પ્રયાસો થયા નથી. જોકે, બે વર્ષથી પીનટ પ્રમોશન કાઉન્સિલ સ્થાપવા સોમાએ સતત રજૂઆતોનો દોર ચલાવ્યો હતો. તેની ફળશ્રુતિમાં સોમાના પ્રમુખને કૃષિ મંત્રાલયના તેલીબિયાં વિભાગ સાથે બેઠક માટે ગઇકાલે બોલાવવામાં આવ્યા હતા.
સોમાના પ્રમુખ સમીરભાઇ શાહે કહ્યું કે, કૃષિ મંત્રાલયના તેલીબિયાં વિભાગના મુખ્ય સચિવ જેએસ રાજેન્દ્રકુમાર, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચના હેડ તથા કૃષિ મંત્રાલયના અધિકારીઓ સાથે આશરે સવા કલાક સુધી બેઠક ચાલી હતી. સૌરાષ્ટ્ર વિસ્તારની આબોહવા, ખેડૂતોની સ્થિતિ અને મગફળીના ઉત્પાદન અંગે પ્રેઝન્ટેશન કરાયું હતુ. રાજેન્દ્રકુમાર કાઉન્સિલની રચના માટે ખૂબ હકારાત્મક જણાયા હતા. તેઓ 14-15 ડિસેમ્બરે અમદાવાદની મુલાકાતે આવનાર છે અને સાથે સોમાની રાજકોટ ઓફિસની મુલાકાતે આવવાની પણ ખાતરી આપી છે.
કૃષિ મંત્રાલયના કેટલાક અધિકારીઓએ મગફળી અને તેલ મિલરોના અર્થતંત્રને નકારાત્મક દૃષ્ટિએ રજૂ કર્યું હતું. ખેડૂતો પાસેથી સસ્તામાં મગફળી પડાવી લઇને તેલમિલો રાજકારણ રમી રહી હોવાની પણ ચર્ચા થઇ હતી. જેકે, સોમાએ બચાવમાં આવી અફવાઓ જૂની થઇ ગઇ હોવાની સચોટ રજૂઆત કરી હતી. હવે રાજકોટમાં મુલાકાત ગોઠવાય એ પછી ઝડપથી કાઉન્સિલની દિશામાં આગેકૂચ થશે.
કાઉન્સિલની રચના થાય તો ખેડૂતોને પાક અંગે સંપૂર્ણ વૈજ્ઞાનિક જ્ઞાન, બિયારણની સમજ, તાપમાન, ખાતર, પાણી, મોડેલ ફાર્મિંગ, મોઇશ્ચર તથા ઉત્પાદકતા વધારવા સુધીનાં તમામ પાસાં આવરી લેવાશે. ઉત્પાદન વધે તો ખેડૂતો આપોઆપ સમૃદ્ધ બનશે. કાઉન્સિલના કાર્યક્ષેત્રમાં વાવેતરથી ઉત્પાદન સુધીના પાસાં સમાવવામાં આવતાં હોય છે. નિકાસને પ્રોત્સાહનનું કામકાજ એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટસ એક્સપોર્ટ પ્રમોશન ડેવલપમેન્ટ ઓથોરિટી(એપેડા) સંભાળે છે.
સૌરાષ્ટ્રમાં મગફળીની નવી જાતોનાં સંશોધનનની કામગીરી ચાલી રહી છે તેમ સમીરભાઇએ ઉમેર્યું હતું.
મગફળીમાં સંશોધનનું કામકાજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે છે. ઓલિવ ઓઇલની માફક મગફળીની નવી જાતમાં 80થી 84 ટકા જેટલું ઓલિક તત્ત્વ પ્રાપ્ત થાય તેવી શક્યતા છે. જોકે, આવી જાત હજુ સંશોધન હેઠળ છે. કાઉન્સિલની રચના થાય તો મગફળીના ક્ષેત્રે ઘણું આગળ વધી શકાય તેમ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer