વાવેતર અને સ્ટોક ઘટવાની ધારણા વચ્ચે ધાણામાં તેજીનો પવન

કલ્પેશ શેઠ 
મુંબઈ, તા : 6 નવે.
ખરીફ પાકો ખેતરમાંથી ગોદામમાં જવાના શરૂ થયા બાદ હવે જગતાત રવી વાવેતરની તૈયારીમાં જોડાયો છે. ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આ વખતે ધાણાનાં વાવેતરમાં 25થી 30 ટકા સુધીનો ઘટાડો થવાની ધારણા વ્યક્ત થઇ છે. 
આ ઉપરાંત સ્ટોકિસ્ટોની ડિમાન્ડ નીકળતાં ધાણાનાં ભાવમાં તેજીનો પવન ફૂંકાયો છે. વાયદામાં ધાણાના ભાવમાં   એક જ મહિનામાં ક્વિન્ટલ દીઠ 1200 રૂપિયા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. 
જે ધાણા પહેલી અૉક્ટોબર, 18 નાં રોજ 4930 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનાં ભાવે વેચાતા હતા તે જ ધાણા પહેલી નવેમ્બર-18 નાં રોજ 6130નાં ભાવે પણ કોઇ વેચવા તૈયાર નહોતું. રાજસ્થાનનાં હડૌતી બેલ્ટમાં વેપારીઓ તેજીમાં છે. 
રામગંજ મંડીમાં ઇગલ બ્રાન્ડનાં ધાણાનાં ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં 500 રૂપિયાથી વધારેનો ઉછાળો જોવા મળ્યો છે. જેની સાથે જ બદામી અને સ્કુટર ધાણાનાં ભાવ પણ વધ્યા છે. ભાવ વધવાનાં કારણે હવે ખેડૂતોની આવકો પણ ઘટી છે. અૉક્ટોબરનાં ત્રીજા સપ્તાહમાં 6000 ક્વિન્ટલની આવકો હતી જે ભાવ રૂા. 5500 ની ઉપર ગયા બાદ ઘટીને 1000 ક્વિન્ટલની થઇ ગઈ હતી. જોકે, ગત સપ્તાહે ભાવ રૂા. 6000 ની સપાટીએ પહોંચ્યા છે. હવે જો દિવાળીનાં તહેવારો બાદ પણ આવી તેજી જળવાયેલી રહે તો ખેડૂતો ઊંચા ભાવે જૂનો માલ કાઢવા આવે એવી મથકોએ બેઠેલા વ્યાપારીઓની ધારણા છે. 
વર્ષ 2018-19માં દેશમાં ધાણાનું ઉત્પાદન 3.13 લાખ ટન હોવાનું પ્રાથમિક અનુમાન મુકાયું છે. સિઝનનાં પ્રારંભે સ્ટોક પોણા બે લાખ ટન જેટલો હતો તે નિકાસ માગનાં કારણે સિઝનનાં અંતે એકાદ લાખ ટન રહેવાની ધારણા વ્યક્ત કરાઇ છે. 
એક તરફ પાઇપલાઇન ખાલી છે તો બીજીતરફ વિતેલી સિઝનમાં ઓછા વરસાદનાં કારણે મધ્યપ્રદેશનાં ગુના પંથકમાં, રાજસ્થાનનાં હડૌતી બેલ્ટમાં અને સૌરાષ્ટ્રમાં જમીનમાં ભેજ ઓછો રહ્યો હોવાથી વાવેતર ઘટવાની પણ વાતો ચાલી છે. બીજી તરફ ખેડૂતોને સતત બે વર્ષથી ધાણાનાં ઊંચા ભાવ મળ્યા નથી. 
ગત વર્ષે સિઝન પહેલા જીરુંનાં ભાવ 21000 રૂપિયા થઇ ચુક્યા હતા, આ વખતે પણ જીરુંમાં તેજીની ધારણા છે તેથી ખેડૂતો ધાણાની જગ્યાએ જીરુંનાં વાવેતર તરફ પણ વળી શકે છે. જ્યાં ખેતરોમાંથી ખરીફ પાક ઉપડી ગયા છે ત્યાં અૉક્ટોબરનાં અંતમાં રવી વાવેતર શરૂ થયા છે. બાકીના વિસ્તરોમાં એકાદ મહિનામાં વાવેતરનું ચિત્ર સ્પષ્ટ થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer