સોના-ચાંદીના સિક્કાની ધૂમ ખરીદી

મુંબઈ, નવી દિલ્હી, લખનઊ, તા. 6 નવે.
સંવત 2074ની ધનતેરસે સોના-ચાંદીના વેપારીઓના ચહેરા પર ખુશી છવાઈ હતી. છેલ્લા કેટલાક મહિનાઓથી સુસ્ત બજારમાં ધનતેરસે સોના - ચાંદીના સિક્કામાં ભારે ખરીદી નીકળી હતી. ગ્રામીણ વિસ્તારોમાં શુષ્ક ઘરાકી છતાં શહેરોમાં ધૂમ વેચાણો થયાં હોવાનું જોવા મળ્યું હતું. દિલ્હીના સોનીબજારના વેપારી શ્રીકૃષ્ણ ગોયલે જણાવ્યું હતું કે ગયા વર્ષ કરતાં આ વર્ષે ધનતેરસે સોના-ચાંદીના સિક્કામાં 10 ટકા વધુ વેચાણો નોંધાયાંનું અનુમાન છે. દિલ્હી બુલિયન એન્ડ મર્ચન્ટ્સ ઍસોસિયેશનના અધ્યક્ષ વિમલકુમાર ગોયલે જણાવ્યું કે સોના કરતાં ચાંદીના સિક્કાની વધુ માગ હતી.
મુંબઈ જ્વેલર્સ ઍસોસિયેશનના સચિવ કુમાર જૈને કહ્યું કે દિવાળી પછી તરત જ લગ્નગાળો શરૂ થવાનો હોવાથી લોકોએ ધનતેરસે ઘરેણાં ખરીદ્યાં હતાં. પરિણામે મેટ્રો શહેરોમાં વેચાણો ગયા વર્ષ કરતાં 20 ટકા વધ્યાં હોવાની ધારણા છે.
જોકે, સિલ્વર એમ્પોરિયમના ડિરેક્ટર રાહુલ મહેતાએ જણાવ્યું કે પાંચ રાજ્યોમાં દુકાળની અસર ધનતેરસ ઉપર પડી હતી અને ભેટ આપવા માટે ખરીદી કરનારની માગ 50 ટકા ઘટી હતી. જોકે, વ્યક્તિગત રીતે ખરીદી કરતાં લોકોની બજારમાં ભારે ભીડ હતી.
લખનઊમાં આ વર્ષે ધનતેરસે સોના-ચાંદી બજારમાં રૂા. 3000 કરોડની ખરીદી જોવા મળી હતી. તાજેતરમાં સોના-ચાંદીના ભાવમાં ભારે વૃદ્ધિ જોવા મળી હોવા છતાં બજારમાં ભારે રોનક હતી. ગયા વર્ષે 275 કિલો સોનાની સરખામણીએ આ વર્ષે 300 કિલો સોનું વેચાયું હોવાનું અનુમાન છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer