ચીનથી માગ વધતાં પેલેટ્સ ઉત્પાદકો ક્ષમતા વધારશે

મુંબઈ, તા. 6 નવે.
વિશ્વના સૌથી મોટા સ્ટીલ ઉત્પાદક ચીનમાં પર્યાવરણને લગતી ચિંતાને પગલે ઉચ્ચ ગુણવત્તા ધરાવતા આયર્ન ઓરની તાતી જરૂર છે. નિકાસ બજારની આ તક ઝડપી લેવા ભારતીય સપ્લાયર્સ ક્ષમતાઓ વધારી રહ્યા હોવાનું મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસ જણાવે છે. ભારતમાં ખનિજ સ્વરૂપે ઓછું પ્રદૂષણ ફેલાવતા આયર્ન ઓર પેલેટ્સના ઉત્પાદકો આગામી બે વર્ષમાં ઉત્પાદન ક્ષમતા 15 ટકા વધારીને 10 કરોડ ટન કરતાં વધુ કરવા સજ્જ બન્યા છે. ચીનમાં સ્ટીલ ઉદ્યોગમાં ભારે તેજીને પગલે આયર્ન ઓર પેલેટ્સની મોટી નિકાસ માગ નીકળી હોવાથી આ ઉત્પાદકો સામે આવેલી તકનો લાભ લેવા માગતા હોવાનું ઈકરાના વાઈસ પ્રેસિડેન્ટ પ્રિયેશ રૂપારેલિયાએ જણાવ્યું હતું.
માર્ચ મહિના સુધીના સતત ત્રીજા વર્ષે ભારત 90 લાખ ટન પેલેટ્સની નિકાસ કરશે તેવી ધારણા છે. ચીનની કુલ જરૂરિયાતમાં આ હિસ્સો બે તૃતિયાંશ જેટલો છે. રૂપિયાના અવમૂલ્યનનો લાભ પણ મોટા પાયે નિકાસ કરી રહેલી કંપનીઓને મળી રહ્યો છે. આ કંપનીઓમાં જિન્દાલ સ્ટીલ ઍન્ડ પાવર, એસ્સાર સ્ટીલ અને બ્રહ્માણી રિવર પેલેટ્સ સામેલ છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer