સુરતથી વતન જવા કાપડ અને હીરાના કારીગરોનો ધસારો

ટ્રેન-બસમાં જગ્યા મેળવવા ધક્કામૂક્કી : ઉત્તર ભારત જવા રેલવે સ્ટેશનોમાં એક દિવસ અગાઉ ધામા

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 6 નવે.
હીરા અને કાપડઉદ્યોગમાં વૅકેશન પડી ગયું હોવાથી કારીગર વર્ગ વતન જવા પડાપડી કરી રહ્યો છે. જે વાહન મળે તેમાં જવા તૈયાર છે ત્યારે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશને યાત્રીઓની લાઈન લાગી છે. કાપડઉદ્યોગમાં ઉત્તર અને ઉત્તર - પૂર્વનાં રાજ્યોમાંથી કારીગરો રોજગારી અર્થે સુરત આવે છે. દિવાળી અને છઠ્ઠ પૂજાની ઉજવણી પરિવાર સાથે કરવા માટે કારીગરોએ વતનની વાટ પકડી છે. 65 લાખની વસ્તી ધરાવતાં સુરત શહેરમાં અડધા કરતાં વધુ વસ્તી સૌરાષ્ટ્ર અને ગુજરાત બહારનાં વસતાં લોકોની છે. 
એસટી વિભાગ દ્વારા બસ ચલાવવાનું આયોજન ગોઠવવામાં આવે છે. આ વર્ષે 500થી વધુ ટ્રીપ સૌરાષ્ટ્ર તરફ દોડાવવાનું અને આ માટે ગ્રુપ બુકિંગ પણ શરૂ કરાયું છે. વૅકેશનનાં પ્રથમ દિવસે જ એસટી વિભાગને રૂા. 24 લાખની આવક થઈ છે. પ્રથમ દિવસે સોમવારે સેન્ટ્રલ બસ સ્ટેન્ડ રાતે બે કલાક સુધી ધમધમ્યું હતું. સૌરાષ્ટ્ર ઉપરાંત દાહોદ - ગોધરા અને બનાસકાંઠા તરફ જવા માટે વધારાની 300 બસો દોડાવી હતી. કરંટ અને ગ્રુપ બુકિંગની કુલ 156થી વધુ ટ્રીપ એસટી વિભાગે દોડાવી હતી. સાડા આઠ લાખની આવક એકલા દાહોદનાં મુસાફરોની ટિકિટથી એસટી વિભાગને થઈ છે. દાહોદ - ગોધરા તરફથી બાંધકામ ક્ષેત્રે રોજગારી અર્થે આવતાં મજૂર વર્ગો માટે એસટી વિભાગે સેન્ટ્રલ બસ સ્ટેન્ડની ઉપરાંત પાલનપુર, સુભાષગાર્ડન અને રામનગર વિસ્તારમાંથી બસ ઉપાડી હતી. 
ટ્રેનમાં ધસારાની સ્થિતિ સર્જાઈ છે. અસંખ્ય લોકોને ગીરદીને લીધે ટ્રેન છોડવી પડી હતી. ઉત્તર ભારતનાં રાજ્યો માટેની ખાસ પસંદીદા તાપ્તી ગંગા ટ્રેન તેમજ ફિરોઝપુર જનતા, જયપુર એક્સ્પ્રેસ, માલડા એક્સ્પ્રેસ, પશ્ચિમ એક્સ્પ્રેસમાં પ્રવાસ કરવા માટે સુરત સ્ટેશને ટોળેટોળા ઉમટી રહ્યા છે. હજુ આગામી 12મી તારીખ સુધી ઉત્તર ભારતની તમામ ટ્રેનોમાં ભારે ભીડ રહેશે. સુરત રેલવે સ્ટેશને પ્રવાસીઓની ભારે ભીડથી ભારે અફડા - તફડીનો માહોલ ઊભો થયો છે. જેનાં કારણે ચેઈન પુલિંગની સંખ્યાબંધ ઘટના બની હતી. 
રો-રો ફેરી સર્વિસમાં વાહન સાથે લઈ જવા ભારે ભીડ
રો-રો ફેરીમાં વાહન પણ લોડ કરી શકાતું હોવાથી વતન સૌરાષ્ટ્ર જવા ઉત્સુક લોકો સુરતથી દહેજ સુધી ટ્રાન્સપોર્ટમાં અને દહેજથી વતન ભાવનગર જનાર વર્ગ ઘોઘા સુધી રો-રો ફેરીમાં પોતાનું વાહન લઈ જઈ રહ્યા છે. દહેજ-ઘોઘા રો-રો શરૂ થતાં સૌરાષ્ટ્રવાસીઓનો ઉત્સાહ બેવડાયો છે. લોકોને બપોરનું જમણ સુરતમાં અને સાંજનું વાળું વતનમાં કરવાનો હરખ લોકોનાં ચહેરા પર સ્પષ્ટ નજરે પડી રહ્યો છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer