ઘઉંનું વાવેતર પાછું ઠેલાય તેવા સંજોગો

ચંડીગઢ, તા. 6 નવે.
ઘઉંની વાવણી પૂરી થવાને માંડ થોડા દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે પ્રતિબંધને અવગણીને ખેતરમાં ઠૂંઠાં (અવશેષો) બાળવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ડાંગરના વાવેતરના 30 ટકા વિસ્તારમાં હજુ લણણી બાકી છે અને દિવાળી આવી ગઈ છે. આ સપ્તાહ ખેડૂતો માટે ખૂબ મહત્ત્વનું રહેશે. 
અવશેષો બાળવાનું પ્રમાણ ગયા વર્ષ કરતાં 25 ટકા ઓછું હોવા છતાં પંજાબમાં છેલ્લા કેટલાક દિવસોમાં આ કામગીરીમાં ભારે વધારો જોવા મળ્યો છે. ઘઉંના વાવેતરનો શ્રેષ્ઠ સમય 25મી અૉક્ટોબરથી 15મી નવેમ્બર સુધીનો છે. રાજ્યના કૃષિ વિભાગના ડાયરેક્ટર જે. એસ. બૈન્સે જણાવ્યું છે કે જો ઘઉંનું વાવેતર પાછું ઠેલાશે તો એકર દીઠ 1.5 ક્વિન્ટલ ઊપજનું નુકસાન થશે. હાલમાં વાવેતર ચારથી પાંચ દિવસ પાછું ઠેલાશે તેમ જણાય છે. જો 15મી નવેમ્બર પછી વાવેતર કરવું હોય તો અમે પાકની જાત વિશે ભલામણ કરીશું. સપ્ટેમ્બરમાં કમોસમી વરસાદને કારણે જમીનમાં ભેજના ઊંચું પ્રમાણ હોવાથી ડાંગરના પાકની લણણીમાં મોડું થયું અને તેના પગલે ઘઉંનું વાવેતર પણ પાછું ઠેલાય તેવા સંજોગો સર્જાયા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer