દેશભરમાં 10 હેન્ડિક્રાફ્ટ પાર્કસ સ્થપાશે

નવી દિલ્હી, તા. 6 નવે.
હેન્ડિક્રાફ્ટના નાના નિકાસકારોને વિકસિત દેશોનાં બજારોનાં કડક આંતરરાષ્ટ્રીય ધોરણોને પહોંચી વળવામાં મુશ્કેલી પડતી હોવાથી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ ફોર હેન્ડિક્રાફ્ટ્સ (ઈપીસીએચ) દેશમાં અલગ અલગ સ્થળે 10 હેન્ડિક્રાફ્ટ્સ પાર્કસ સ્થાપીને આવાં એકમોને એકસાથે લાવવા વિચારે છે. સૂચિત પાર્કમાં એકમો કોમન ફેસિલિટી સેન્ટર્સ (સીએફસી), ટેસ્ટિંગ લેબ તેમ જ રૉ મટિરિયલ બૅન્કસ વગેરે જેવી માળખાકીય સુવિધાઓનો સહિયારો વપરાશ કરી શકશે.
ઈપીસીએચના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાકેશ કુમારે જણાવ્યું કે કાઉન્સિલ દેશનો આવો સૌપ્રથમ પાર્ક યમુના એક્સ્પ્રેસવેમાં સ્થાપી રહી છે. સીએફસી, હેન્ડિક્રાફ્ટ એક્સ્પોર્ટર્સ માટે મેન્યુફેક્ચરિંગ હબ ઉપરાંત તાલીમ/કૌશલ્ય વિકાસ સવલત તરીકે કામ કરશે, જેમાં નિકાસકારોને ઉત્પાદન અને નિકાસ માટે જરૂરી અદ્યતન મશીનરી ઉપલબ્ધ હશે.
વર્ષ 2017-18માં દેશમાં એકંદર નિકાસ 9.8 ટકા વધીને 302 અબજ ડૉલર થઈ હોવા છતાં હેન્ડિક્રાફ્ટની નિકાસ 1.8 ટકા ઘટીને 3.57 અબજ ડૉલર નોંધાઈ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer