શૅરબજારમાં પાંખાં કામકાજો, નજીવો સુધારો

વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 6 નવે.
શૅરબજારમાં સંવત 2074નો છેલ્લો દિવસ નિરસ રહ્યો હતો. એનએસઈ ખાતે બજાર સત્ર દરમિયાન ટૂંકી વધઘટે અથડાયા પછી આખરી ક્ષણોમાં થોડી લેવાલીએ માંડ સકારાત્મક બંધ આપવામાં સફળ રહ્યું હતું. આજે શરૂઆતમાં અગાઉના બંધ 10,524થી નિફ્ટી 10,552 ખુલીને ઝડપી ઉપરમાં 10,600 સુધી અથડાયા પછી સતત ઘટાડે રહ્યો હતો. જે મધ્ય ભાગે નીચેમાં 10,491 આખરે ટ્રેડીંગ અંતે 6 પોઇન્ટ વધીને 10,530 બંધ હતો. બીએસઈ ખાતે સેન્સેક્ષ 41 પોઇન્ટ વધવા છતાં 35,000 નીચે 34,992 બંધ હતો.
આજે તદ્દન પાંખા કામકાજો વચ્ચે સટ્ટાકીય લે-વેચ પણ સીમિત રહી હતી. બજારમાં દિવાળીના ઉત્સવ અને વેકેશનને લીધે ટ્રેડરોની પાતળી હાજરીથી વોલ્યુમ પણ નોંધપાત્ર ઘટયું છે. તેથી સમગ્ર સત્રનાં કામકાજ બાદ નિફ્ટીના મુખ્ય 26 શૅર તદ્દન મામૂલી સુધારે બંધ હતા. તેની સામે ઘટનારા 24 શૅરોની નબળાઈ વધુ જણાઈ હતી. એકંદરે બજારમાં અંડરટોનની નબળાઈ છતી થઈ હતી. આજે બૅન્કિંગ, અૉટો, એફએમસીજી ક્ષેત્રના શૅરોમાં વેચવાલી વધી હતી. જેથી બૅન્કેક્સ 2.23 ટકા ઘટાડે હતો. આજે વ્યક્તિગત શૅરોમાં દવા અગ્રણી સીપ્લાની કમાણી ઘટવાના કંપનીના સંકેતને લીધે સતત બીજા દિવસે શૅર 7 ટકા ઘટીને રૂા. 532 બંધ હતો જ્યારે સટ્ટાકીય શૅર પીસી જ્વેલર્સ 12 ટકા ઘટયો હતો. દેશની સૌથી મોટી બૅન્ક એસબીઆઈનો નફો 40 ટકા ઘટવાથી બૅન્કિંગ ક્ષેત્રે મોરલ ખટકાયું હતું.
આજના સુધારામાં મુખ્ય એચડીએફસી રૂા. 13, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂા. 14, ડૉ. રેડ્ડીસ રૂા. 30, એલઍન્ડટી રૂા. 14, એચસીએલ રૂા. 8 અને ટીસીએસ રૂા. 42 વધ્યા હતા. આજે ઘટનારા અનેક અગ્રણી શૅરોમાં મારુતી સુઝુકી રૂા. 102, ટીટાન રૂા. 17 અને જાહેર ક્ષેત્રના બીપીસીએલ અને એચપીસીએલમાં બંને રૂા. 7 ઘટયા હતા. બૅન્કિંગ શૅરોમાં એક્સીસ બૅન્ક રૂા. 17, એસબીઆઈ રૂા. 8, અલ્ટ્રાટેક સિમેન્ટ રૂા. 30 ઘટયા હતા. વેદાન્તા અને જેએસડબ્લ્યુ સ્ટીલ અનુક્રમે રૂા. 15 અને રૂા. 3 ઘટયા હતા. એનલિસ્ટોના જણાવ્યા પ્રમાણે નિફ્ટીમાં હેમર કેન્ડલ બની છે. કેટલાકના અનુમાન પ્રમાણે 10,566 અને 10,610-50 નજીકની પ્રતિકાર સપાટીઓ ગણાય. ટ્રેડરોએ મધ્યમ ગાળે કડક સ્ટોપલોસ રાખીને સોદા કરવા આવશ્યક છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer