ટેક્સ્ટાઇલ નિકાસ માટે એમઈઆઈએસના સ્થાને આવી રહી છે વૈકલ્પિક સ્કીમ

ટેક્સ્ટાઇલ નિકાસ માટે એમઈઆઈએસના સ્થાને આવી રહી છે વૈકલ્પિક સ્કીમ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 6 નવે.
અમેરિકા-ચીન વચ્ચેના ટેરિફ વોરના કારણે ભારતની કોટન ટેક્સ્ટાઇલ્સની નિકાસ માટે નવી તકો ખૂલી છે. વળી સરકાર નિકાસને વેગ આપવા વૈકલ્પિક સ્કીમ લાવી રહી છે જે ડબ્લ્યુટીઓ ધારાધોરણને અનુરૂપ હશે. વળી આ વૈકલ્પિક સ્કીમ પછી એમઈઆઈએસ જેવી અગાઉની સ્કીમોનું સ્થાન લેશે, એમ ધી કોટન ટેક્સ્ટાઇલ્સ એક્સપોર્ટ પ્રોમોશન કાઉન્સિલ (ટેક્સપ્રોસીલ)ના અધ્યક્ષ ઉજ્જવલ લાહોટીએ જણાવ્યું હતું.
ટેક્સપ્રોસીલે 2017-2018 માટે 32 કેટેગરીમાં 56 નિકાસ એવૉર્ડ એનાયત કર્યા હતા. 38 કંપનીઓએ આ એવૉર્ડ સ્વીકાર્યા હતા. આ વેળા મહિલા કામદારો સહિત રોજગાર વધારનાર એકમોને પણ એવૉર્ડ અપાયા હતા.
મુંબઈમાં તા. 3 નવેમ્બરે યોજાયેલા ટેક્સપ્રોસીલ નિકાસ એવૉર્ડ 2017-18 સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય ટેકસ્ટાઇલ પ્રધાન સ્મૃતિ ઈરાની ઉપસ્થિત રહ્યાં હતાં અને તેમણે નિકાસ એવૉર્ડનું વિતરણ કર્યું હતું.
એપ્રિલથી સપ્ટેમ્બર 2018 દરમિયાન ટેક્સ્ટાઇલ-ક્લોધીંગની નિકાસ 3 ટકા ઘટી હતી, પણ રેડીમેઇડ ગાર્મેન્ટ્સની નિકાસ 16 ટકા ઘટી હતી. આમ છતાં આ ગાળામાં કોટન ટેક્સ્ટાઇલ્સની નિકાસ 26.8 ટકા વધી છે.
આ ગાળામાં કોટન ટેક્સ્ટાઇલ્સ (રો કોટન, કાપડ, મેઇડઅપ્સ)ની નિકાસ વધી 623.5 કરોડ યુએસ ડૉલરની થઈ છે જે 2017-18ના આ ગાળામાં 491.7 કરોડ ડૉલરની હતી.
ટેક્સપ્રોસીલે એમઈઆઈએસ હેઠળ કોટન યાર્નને આવરી લેવાની અને સુતરાઉ કાપડ પરના એમઈઆઈએસ દર 2 ટકાથી વધારી 4 ટકા કરવાની માગણી કરી છે. આ ઉપરાંત કોટન યાર્ન અને કાપડને આરઓએસએલ સ્કીમમાં આવરી લેવાની માગણી કરી છે.
વડા પ્રધાને એમએસએમઈ ક્ષેત્ર માટે જાહેર કરેલા પેકેજને આવકારતાં ટેક્સપ્રોસીલના અધ્યક્ષ ઉજ્જવલ લાહોટીએ જણાવ્યું હતું કે એમએસએમઈ દ્વારા થનારી નિકાસ માટે પ્રી-શિપમેન્ટ અને પોસ્ટ-શિપમેન્ટ ફાઇનાન્સ પર વ્યાજ સબસિડી 3 ટકાથી વધારી 5 ટકા કરાઈ છે. નળી જીએસટી-રજીસ્ટર્ડ એમએસએમઈને રૂા. 1 કરોડ સુધીની ઇક્રીમેન્ટલ લોન પર 2 ટકા વ્યાજ રીબેટ મળશે. આથી ઉદ્યોગને ઘણી રાહત થશે.
ટેક્સપ્રોસીલના ઉપાધ્યક્ષ ડૉ. કે. વી. શ્રીનિવાસને આભારવિધિ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer