હીરાના વેપારને ભ્રષ્ટાચાર અને આતંકવાદથી મુક્ત કરવાની નેમ

હીરાના વેપારને ભ્રષ્ટાચાર અને આતંકવાદથી મુક્ત કરવાની નેમ
મુંબઈ, તા. 6 નવે.
ભારતે પ્રસ્તાવ મૂક્યો છે કે વૈશ્વિક હીરા ઉદ્યોગે હીરાના વેચાણને ભ્રષ્ટાચાર, મની લોન્ડરિંગ અને આતંકવાદમુક્ત હોવાનું પ્રમાણિત કરવું જોઈએ. આથી વૈશ્વિક હિસ્સાધારકોએ નક્કી કર્યું છે કે કિંબરલી પ્રોસેસ સર્ટિફિકેશન સ્કીમ (કેપીસીએસ) અને સિસ્ટમ ઓફ વોરંટી (એસડબ્લ્યુઓ)ને ફરજિયાત કરવામાં આવે. 
કિંબરલી પ્રોસેસ (કેપી) હાલ એ વાતનું પ્રમાણપત્ર આપે છે કે હીરો `કોનફ્લિક્ટ ડાયમંડ' નથી. કોનફ્લિક્ટ ડાયમંડ એટલે કે એવા રફ હીરા જે રાજદ્રોહની હિલચાલ અથવા મિત્ર રાષ્ટ્રો દ્વારા આવ્યા હોય, જેનો ઉપયોગ અધિકૃત સરકારને પદભ્રષ્ટ કરવા માટે થતો હોય છે. 81 દેશો (23 યુરોપીયન યુનિયનના) તેમના હીરાનો વેપાર કરવા માટે આ પ્રમાણપત્ર મેળવે છે. 
કોનફ્લિક્ટ હીરા ઉપર યુનાઈટેડ નેશન્સના નિયમ અંતર્ગત પણ વેપાર પ્રતિબંધ છે. હીરા ઉદ્યોગમાં માઈન્સથી લઈને રિટેલર્સ સુધી સહુએ સિસ્ટમ ઓફ વોરંટીનું પાલન કરવું પડે છે, જેમાં તેમણે પુરવાર કરવાનું હોય છે કે તેમણે વેચેલા હીરા કોનફ્લિક્ટ હીરા નથી. 
ગયા અઠવાડિયે વર્લ્ડ ડાયમંડ કાઉન્સિલની મિટિંગ મુંબઈમાં યોજાઈ હતી. વર્ષ 2019માં એવી ધારણા છે કે ભારત કેપીની મુખ્ય ભૂમિકામાં હશે. સૂત્રોનું કહેવું છે કે આ મિટિંગમાં કોનફ્લિક્ટ હીરાની વ્યાખ્યામાં વિસ્તરણ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ વ્યાખ્યા બન્યા બાદ દરેક દેશોએ હીરામાં કેપીની સ્પષ્ટતા કરવાની રહેશે અને પ્રમાણિત કરવાનું રહેશે કે તેમના હીરાનો ઉપયોગ આતંકવાદ માટે થતો નથી. 
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી)ના ચૅરમૅન પ્રમોદકુમાર અગરવાલે કહ્યું કે, જીજેઈપીસીએ નાણાંની દાણચોરી અને આતંકવાદની નાણાકીય ટેકો આપવા વિરુદ્ધ સ્વ-નિયમનના પ્રસ્તાવનો ઉમેરો કરવા માટે કહ્યું હતું. જેમાં દરેકે સહમતી દર્શાવી હતી.     

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer