આઠ રાજ્યમાં અૉપરેશન ગ્રીનનો પ્રાયોગિક તબક્કો શરૂ કરાશે

આઠ રાજ્યમાં અૉપરેશન ગ્રીનનો પ્રાયોગિક તબક્કો શરૂ કરાશે
પ્રાયોગિક તબક્કા માટે કર્ણાટક, આંધ્ર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ ઉપરાંત ભાવનગર અને બનાસકાંઠાની પસંદગી કરાઈ 
 
નવી દિલ્હી, તા. 6 નવે.
કેન્દ્ર સરકારે વર્ષ 2018ના બજેટમાં પ્રસ્તાવિત અૉપરેશન ગ્રીનના અમલ માટે માર્ગદર્શિકા તૈયાર કરી લીધી છે. દેશના કેટલાક વિસ્તારોમાં બટાકા, ડુંગળી તેમ જ ટામેટાંનું મોટા પાયે ઉત્પાદન થાય છે. વધુપડતા ઉત્પાદનને કારણે ઊપજના ભાવ ઘણા નીચા રહે છે અને તેનાથી ખેડૂતોને ભારે નુકસાન ભોગવવું પડે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે અૉપરેશન ગ્રીન શરૂ કર્યું હતું. 
ફૂડ પ્રોસેસિંગ અને ઉદ્યોગ મંત્રાલયે આ યોજના માટે માર્ગદર્શિકા તૈયાર કરી છે. નાણાં ખર્ચ સમિતિએ ભંડોળના આયોજન માટે કેટલાક સૂચનો સાથે આ પ્રસ્તાવને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકાર માર્ચ, 2020 સુધીની સમયમર્યાદા ધરાવતી આ યોજનામાં રૂા. 500 કરોડ ખર્ચશે.
કેન્દ્રિય નાણાં પ્રધાન અરુણ જેટલીએ ફેબ્રુઆરીમાં બજેટ દરમિયાન આ યોજના બાગાયત પાકના ઉત્પાદકો માટે મદદગાર હોવાનું જણાવ્યું હતું. તેને અનુલક્ષીને વડા પ્રધાને નીતિ આયોગના સભ્ય રમેશ ચંદ્રના અધ્યક્ષસ્થાને એક સમિતિ રચી હતી. આ યોજનાનો લાભ વધુ ખેડૂતો સુધી પહોંચાડવા માટે શું કરવું જોઈએ, તે બાબતે વિગતવાર અહેવાલ તૈયાર કરવાનું કામ આ સમિતિને સોંપાયું હતું.
દેશભરમાં ટામેટાં, કાંદા અને બટાકાં બારેય મહિના ઉપયોગમાં લેવાય છે, પરંતુ તેના સંગ્રહ અને પરિવહનની સમસ્યાઓને કારણે ખેડૂતો અને ગ્રાહકોને નુકસાન થાય છે. એટલે આ યોજના મારફતે શાકભાજીનો વધુ પાક ધરાવતાં વિસ્તારોમાંથી ઓછું ઉત્પાદન ધરાવતા વિસ્તારો સુધી પહોંચાડવાનું લક્ષ છે. સાથે સાથે સંગ્રહ ક્ષમતા વધારવા માટે માળખાકીય સવલતો વધારવામાં આવશે. ઉપરાંત, સરકારે પસંદગીના વિસ્તારોમાં વેલ્યુ ચેઇન અને પ્રોસેસિંગ ઉદ્યોગ સ્થાપવાનો પણ નિર્ણય લીધો છે. નીતિ આયોગે સરકારને વધુ ઉત્પાદન ધરાવતા વિસ્તારોમાં પ્રાયોગિક ધોરણે અમલ કરવાની ભલામણ કરી છે. 
બે તબક્કામાં હાથ ધરવામાં આવનારા અૉપરેશન ગ્રીનમાં પ્રથમ તબક્કામાં રૂા. 50 કરોડના ખર્ચે સરકાર કૃષિ પરિવહન અને વખારની સુવિધા માટે નાફેડ સાથે 50 ટકા ભાગીદારી કરશે. લાંબા ગાળાનું રૂા. 450 કરોડનું બજેટ ભાવ નિયંત્રણ, કોલ્ડ સ્ટોરેજ, વખાર, પેકેજિંગ, ગ્રેડિંગ અને પ્રોસેસિંગ ઉદ્યોગના વિકાસ માટે વપરાશે. વેલ્યુ ચેઇન અને પ્રોસેસિંગ ઉદ્યોગ માટે આઠ રાજ્યોમાં 17 ક્લસ્ટર્સ પસંદ કરાયા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer