પૂજા માટે વપરાતાં ચોપડાંમાં મંદી : વેચાણમાં 25 ટકાનો ઘટાડો

પૂજા માટે વપરાતાં ચોપડાંમાં મંદી : વેચાણમાં  25 ટકાનો ઘટાડો
અગાઉ ચાર-પાંચ ચોપડાં રખાતાં પણ હવે રોજમેળ જેવી એકાદ બે કિતાબોની પૂજા થાય છે 
 
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 6 નવે.
કૉમ્પ્યુટરનો યુગ શરૂ થયા પછી હિસાબી ચોપડાં રાખવાનું ચલણ ઉતરોતર ઘટી રહ્યું છે. એમાંય બે વર્ષથી લાગુ થયેલા જીએસટીએ ચોપડાંના વેચાણને પડ્યા પર પાટું માર્યું છે. અગાઉ ચાર પાંચ ચોપડાં રાખીને દિવાળીએ પૂજન થતું હતું. પરંતુ, હવે રોજમેળ જેવા એકાદ બે હિસાબી ચોપડા રખાતા થયા છે એટલે ચોપડાંના વેચાણમાં મોટું ગાબડું પડ્યું છે. આ વર્ષે પણ વેચાણ 25 ટકા ઘટ્યું છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિત તમામ નાના મોટાં ગામોમાં હવે લાલ પૂઠાંના મઢેલા ચોપડાંનું ચલણ સાવ તળિયે જતું રહ્યું છે. 
અમદાવાદમાં કાગદી બજાર તરીકે જાણીતા ગાંધી રોડ ઉપર ચોપડા પૂજનમાં વપરાતા ચોપડાનું હૉલસેલ બજાર છે. આ વર્ષે માત્ર પાંચથી છ લાખ ચોપડાનું જ વેચાણ થયું છે જે ગત વર્ષની તુલનામાં લગભગ 25% જેટલું ઓછું છે. કુલ 150થી વધારે એવી દુકાન છે જે આવા લાલ પૂંઠાવાળા ચોપડાનું વેચાણ કરે છે. ગુજરાત ઉપરાંત આ માર્કેટમાંથી રાજસ્થાન, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યમાં પણ ચોપડા જાય છે.  
કલેક્શન, રજિસ્ટર, જીએસટી રજિસ્ટર, ખાતાવહી સમેત અલગ અલગ પ્રકારના ચોપડા બજારમાં મળે છે. હવે તો જીએસટીની નોંધ લખવાના ચોપડા પણ બજારમાં મળે છે. અલબત્ત વેચાણ સિમિત રહ્યું છે. દિવાળીના દિવસે વેપારી તેના ચોપડામાં સાથિયો પૂરીને અને શ્રી સવા લખીને પોતાના ધંધાની નવા વર્ષે શરૂઆત કરતા હોય છે એટલે પરંપરા માટે ચોપડાં પૂજન હજુ અકબંધ જરૂરથી રહ્યું છે. 
અમદાવાદમાં 5000 જેટલા મુસ્લિમ લોકો આ ચોપડા બનાવે છે અને અનેક રાજ્યોમાં અમદાવાદની કાગદી બજારમાંથી આ ચોપડા જાય છે. પહેલા ચોપડા ઉપર 5% વેટ લાગતો હતો અને હવે 18% જીએસટી લાગે છે. આ વર્ષે એકાએક 25% વેચાણ ઘટી જતા વેપારીઓ નિરાશ થયા છે. 
ચોપડાના અગ્રણી વેપારી નરેશ શાહ જણાવે છે કે `અમે ક્યારેય આ પ્રકારની મંદી જોઈ નથી અને હંમેશા ચોપડાનું વેચાણ વધતું હતું પરંતુ આ વર્ષે તો મંદી અસર કરી ગઈ છે અને છતાં પણ વેપારીઓ એ ચોપડા પ્રત્યે પોતાનો લગાવ રાખ્યો છે અને કૉમ્પ્યુટરના યુગમાં પણ હજુ ચોપડામાં લોકોનો વિશ્વાસ છે. એટલે વેપાર સાવ બંધ નથી થયો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer