દિવાળીની ખરીદી વધી, પણ અૉનલાઇન

દિવાળીની ખરીદી વધી, પણ અૉનલાઇન
મંદીની બુમરાણ વચ્ચે ગુજરાતમાં દિવાળીની માગ ખૂલી : તમામ બજારોમાં ધૂમ ખરીદી
 
વ્યાપાર  ટીમ 
મુંબઈ, અમદાવાદ, રાજકોટ,  સુરત, તા. 6 નવે.
બજારોમાં દિવાળીના છેલ્લા દિવસોમાં પરંપરાગત રોશની અને ભીડભાડની ઝમક આવી ખરી. સોના-ચાંદી બજારોમાં ધનતેરસની ખરીદીમાં બહુ ઉત્સાહ જોવા મળ્યો નહીં, પણ વેપારીઓએ આવતી કાલની દિવાળીની ઘરાકી ઉપર મીટ માંડી છે. દિવાળી પછી શરૂ થનારી લગ્નસરાની ઘરાકી પણ સારી મળવાની આશા છે. સોના-ચાંદી બજારને ફાયદો એ છે કે લોકો અૉનલાઇન મોંઘી કિંમતનાં આભૂષણો ખરીદતા નથી. લોકો અૉનલાઇન મોંઘા મોબાઇલ ફોન ખરીદશે, પણ આભૂષણો તો દુકાન-સ્ટોરમાં જઈને ખરીદવા તેવી તેમની માનસિકતા છે. ઘણા વેપારીઓએ વ્યાપારને કહ્યું કે આ દિવાળીએ પણ ઘરાકીનો રંગ ફિક્કો પડયો નથી. વેચાણ ઊલટું વધ્યું છે, પરંતુ અૉનલાઇન ચેનલે વેચાણમાં વધારાનો સિંહહિસ્સો પડાવી લીધો છે. એમેઝોન અને ફિલપકાર્ટ વચ્ચેની સ્પર્ધામાં આ બન્ને કંપનીઓનું વેચાણ વધ્યું છે. આની સ્વાભાવિક અસર દુકાનદારોને થઈ છે. શોપિંગ મૉલને પણ છેલ્લા દિવસોમાં સારી ઘરાકી મળી છે.
દિવાળીના આડે હવે ગણતરીના કલાકો છે ત્યારે ગુજરાતનાં બજારોમાં મંદીની બૂમ વચ્ચે પણ ખરીદી પુરબહારમાં ખૂલી છે. ગયા અઠવાડિયા સુધી કોઇ બજારમાં માગ ન રહેતાં ઊડે ઊડેની સ્થિતિ હતી, પરંતુ પાછલા રવિવારથી લોકો બજારમાં ઊમટી પડયા છે. કાપડ, ઇલેક્ટ્રોનિક્સ, શૂઝ-ચશ્માં, રંગ, સજાવટ, રોશની, ઓટોમોબાઇલ તેમજ ફટાકડા બજાર જેવાં જુદાં જુદાં બજારોમાં ખૂબ ભીડ જામી હતી. છતાં અગાઉનાં વર્ષો જેવી દિવાળીની ખરીદી ઊઘડી નહીં હોવાનો વેપારીઓને અફસોસ છે. ઓનલાઇન વેપાર અને ભારેખમ ડિસ્કાઉન્ટની ઓફરો પણ બજારને નડતી હોવાનું કહેવાય છે.
અમદાવાદમાં લાલ દરવાજા, રિલીફ રોડ, રતનપોળ વિસ્તારમાં ઇલેક્ટ્રોનિક્સ ઉપરાંત ફર્નિચર અને ઘરસામાનનું મસમોટું બજાર આવેલું છે. રતનપોળ વિસ્તારમાં કાપડનું મોટું માર્કેટ આવેલું છે. જ્યારે લાલ દરવાજા વિસ્તારમાં શૂઝ-ચશ્માંનું બજાર છે. વેપારીઓ ઘરાકીના મોટા અને ગણતરીવાળા દિવસો જતા રહ્યા હોવાથી ચિંતામાં ઘેરાઇ ગયા હતા, પરંતુ હવે દિવાળીનું કાઉન્ટ ડાઉન શરૂ થતાં તેજી આવી છે. શહેર બહારના વિસ્તારો અને આજુબાજુના ગામડાના લોકો અમદાવાદમાં જોવા મળ્યા હતા. 
અમદાવાદમાં રિલીફ રોડ, નારણપુરા, ઢાલગરવાડ, લાલ દરવાજા, ત્રણ દરવાજા, માણેક ચોક, મેમનગર, ગુરુકુળ, ન્યૂ ક્લોથ મોર્કેટ, મસ્કતી, મોલ્સમાં લોકોની ભીડ જામી હતી. અમદાવાદનાં બજારોમાં પગ મૂકવાની જગ્યા નહીં હોવાનો માહોલ ઊભો થયો છે. ફટાકડામાં પણ જોરદાર માગ ખૂલી હતી.
રાજકોટ શહેરમાં ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી, પરાબજાર, ઘી કાંટા રોડ, ડૉ. યાજ્ઞિક રોડ જેવા પરંપરાગત ખરીદ કેન્દ્રોમાં ઠેર ઠેર કાપડ અને રેડીમેડની માગ નીકળી છે. એ સાથે લોકો સજાવટ, મુખવાસ, નાસ્તા ખરીદવા પણ પડાપડી કરી રહ્યા છે. રાજકોટમાં સોમવારથી ત્રણ દિવસ માટે દિવાળી કાર્નિવલ પણ યોજાયો છે, એમાં ચિક્કાર જનમેદની દિવાળી ઊજવવા ઊમટી પડી છે. 
ધનતેરસના દિવસે ઝવેરીબજારમાં ઠીકઠીક સારી ઘરાકી નીકળતાં સોની બજારને રાહત થઇ હતી.  રાજકોટની સોની બજારમાં આશરે 8થી 10 કરોડનાં સોના-ચાંદીનાં ઝવેરાત વેચાયાં હતાં. અમદાવાદની ઝવેરીબજારમાં પણ છેલ્લા દિવસે વકરો વધ્યો હતો. જોકે, સોની બજારની દશા અત્યારે માઠી છે. રોનક-રંગત ફક્ત તહેવારો પૂરતાં છે.
સુરત શહેરની ચૌટા બજાર, ઘોડદોડ રોડ, બરોડા પ્રિસ્ટેજ, સીટીલાઈટ, આનંદ મહેલ રોડ, પાલનપોર પાટિયાની બજારો ગ્રાહકોથી ઊભરાઇ હતી. કર્મચારીઓને સમયસર પગાર-બોનસ ચૂકવાતાં બજારમાં રોકડ ફરતી થઈ હોવાનો અહેસાસ વેપારીઓને થયે છે. 
છેલ્લા બે દિવસમાં છૂટક ખરીદી સાથે ઈલેકટ્રોનિક્સ વેપારમાં 10 થી 15 ટકાનો ઉછાળો નોંધાયો હતો. કેશ-બૅકની ઓફરના કારણે ફ્રિજ, વોશિંગ મશીન અને હોમ એપ્લાયસીન્સની આઈટમોનું વેચાણ વધ્યું હતું. અગાઉથી નોંધાવેલાં ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરના બૂકિંગની ડિલિવરી શરૂ થઈ છે. મંદીની બુમરાણ વચ્ચે કાર અને સ્કૂટરનું વેચાણ નોંધપાત્ર રહ્યું છે. 
નાણાવટી ટોયટોના હિતેન્દ્રભાઈ નાણાવટી કહે છે કે, દિવાળીના તહેવારની કારની ખરીદી નોંધપાત્ર રહી છે. નવા વર્ષે પણ ખૂલતામાં બજાર સારું રહેવાની ધારણા છે. ધ્રુવ હીરો ડીલરના જિજ્ઞેશભાઈ કહે છે, ગ્રાહકોએ મનપસંદ ટુ-વ્હીલરની ઉત્સાહપૂર્વક ખરીદી કરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer