જમીન બિન-ખેતીલાયક બનાવવા ખેડૂતોએ ધક્કા નહીં ખાવા પડે

33 જિલ્લામાં લાભપાંચમથી બિનખેતી જમીનની પ્રક્રિયા અૉનલાઈન બની
 
અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ.તા. 13 નવે.
ખેડૂતોએ પોતાની ખેતીની જમીનને બિનખેતી કરાવવા માટે કલેક્ટર કચેરીના ધક્કા નહીં ખાવા પડે. ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં અૉનલાઈન પ્રક્રિયાનો આરંભ લાભપાંચમના દિવસથી કરાવ્યો છે.
કોઈપણ ખેતીની જમીનને બિનખેતીમાં ફેરવવા માટે ઘણી વખત અધિકારીઓના ખિસ્સા ગરમ કરવા પડતા હતા.  અમુક જિલ્લાઓમાં તો વિઘાપીઠ અધિકારીઓને લાંચ આપવાનો પણ જાણે શિરસ્તો હતો. જોકે, હવે સરકારે લાંચ-રુશવત અટકાવવા માટે સમગ્ર પ્રક્રિયા અૉનલાઇન કરી નાંખી છે.
અગાઉ બિનખેતીની એક ફાઇલ 17 વિભાગમાં અથવા તો અધિકારીઓ પાસે ફરતી હતી, પરંતુ હવે આ પ્રક્રિયા માત્ર મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર અને કલેકટર કક્ષાના અધિકારી સુધી જ સીમિત રહે છે. લાભપાંચમના દિવસે ગુજરાત સરકારે આખા રાજ્યમાં આ સેવાનો પ્રારંભ કરાવી દીધો છે.
 અૉગસ્ટ મહિનાના અંતમાં અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ અૉનલાઈન સેવાનો પ્રારંભ કરાવ્યો હતો અને તેમાં સફળતા મળતાં આખા રાજ્યના 33 જિલ્લામાં લાગું કરી દેવામાં આવ્યો છે.
આ અંગે વધુ વિગતો આપતાં રાજ્યના મહેસૂલ વિભાગના સેક્રેટરી હારિત શુક્લા જણાવે છે કે `આ પ્રક્રિયાથી હવે ખેડૂતોને પોતાની ખેતીની જમીન બિનખેતી કરાવવા લાંબો સમય સુધી રાહ નહીં જોવી પડે. ત્યાં સુધી કે જે બિનખેતી માટે ભરવાપાત્ર રકમ છે તે પણ ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી અૉનલાઈન ભરી શકાશે અને સંપૂર્ણ રીતે આ પારદર્શક વહીવટ દ્વારા ખેડૂતોની બિનખેતીની પ્રક્રિયા ઝડપી બનશે.'
બિનખેતીની ફાઈલ કલેકટર અૉફિસ અને જિલ્લા પંચાયતમાં આવતી હોય છે અને સરેરાશ અત્યાર સુધીનો રેકોર્ડ મુજબ દર વર્ષે રાજ્યમાં 15,000 ફાઈલો બિનખેતી માટે આવે છે અને કરોડો મીટર જમીનને બિનખેતી કરવા માટેની પ્રક્રિયા થાય છે.
ગુજરાત એક ઔધ્યોગિક રાજ્ય છે અને દિવસે દિવસે ઉદ્યોગ માટે જમીનની જરૂરિયાત વધતી જાય છે. એવામાં કોઈ ઉદ્યોગપતિ કે બીલ્ડર એવી જમીનને જ ખરીદવાનું પસંદ કરે છે કે જે બિનખેતી થઈ ગઈ હોય અને જો બિનખેતી થયેલી જમીન હોય તો ખેડૂતોને અનેક ગણો ભાવ મળે છે.
ખેતીની જમીન બિનખેતી કરવા માટે ગુજરાત સરકારના રેવન્યુ વિભાગની વેબસાઈટ ઉપર જવાથી આખી પ્રક્રિયા ઘરે બેઠા થઈ શકશે અને તમામ પ્રકારની પૂછપરછ પણ ઈ-મેલ અથવા એસ.એમ.એસ દ્વારા જાણી શકાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer