રિટર્ન દવાની ક્રેડિટ મુદ્દે ડીલર્સ-હોલસેલર્સ વચ્ચે વિવાદ

કોણ ક્રેડિટ જતી કરે તે મુદ્દે તકરાર : અમદાવાદમાં મળેલી બેઠકમાં ઉગ્ર બોલાચાલી
 
અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ.તા. 13 નવે.
ઍક્સ્પાયર થઈ ગયેલી દવા ઉપર ઈનપુટ ટૅક્સ ક્રેડિટ મેળવવા માટે દવાના હોલસેલર્સ, ડીલર્સ અને ઉત્પાદકો વચ્ચે ભારે વિવાદ ચાલે છે. અમદાવાદમાં આ મુદ્દે એક બેઠક મળી હતી. એમાં હોલસેલર્સ અને ડીલર્સ વચ્ચે ઉગ્ર બોલાચાલીની સાથે સામસામે તકરાર પણ થઇ હતી.
જૂન 2017માં જે જીએસટી લાગ્યો ત્યારે દવા ઉપર ગુજરાતમાં પાંચ ટકા વેટ લાગતો હતો. હવે 12 ટકાના સ્લેબમાં આવે છે. 
જીએસટીમાં એક નિયમ છે કે જૂની દવા કે જે ઍક્સ્પાયર થઈ ગઈ છે અને તેને પરત કરવામાં આવે તો તેના ઉપર 12 ટકા લેખે ઈનપુટ ટૅક્સ ક્રેડિટ મળે છે. હવે જે-તે સમયે સાત ટકાનો જે વેટ અને જીએસટી વચ્ચે તફાવત હતો તે સમયે દવા બનાવતી કંપનીઓ ભોગવી લીધો હતો, પરંતુ હવે જે જૂની દવાઓનો સ્ટોક પાછો કરતા જે 12 ટકા ઈનપુટ ટૅક્સ ક્રેડિટ મળવાપાત્ર છે તે કોને મળે કે તે અંગે વિવાદ ચાલે છે.
જે તે સમયે તો આ વિવાદ રાજ્ય સરકાર પાસે પહોચતાં સરકારે તો એવી સ્પષ્ટ વાત પણ કરી હતી કે માત્ર દવા બનાવતી કંપનીઓને જ ઈનપુટ ટૅક્સ ક્રેડિટ મળશે.
દવા ઉત્પાદક કંપનીઓ, દવાના હોલસેલર્સ અને ડીલર્સ આમાંથી કોઈને પણ 12 ટકા ઈનપુટ ટૅક્સ ક્રેડિટ પર મળશે, પરંતુ કોઈને તો 12 ટકા ગુમાવવા પડશે. અત્યારે ફક્ત ડીલર્સ અને હોલસેલર્સ સંપી જાય તો દવા કંપનીઓ લાભ ગૂમાવશે, પરંતુ અત્યારે ડીલર્સ-હોલસેલર્સ ઝઘડી રહ્યા છે. એટલે હવે આગળ જતાં શું થાય છે તે જોવાનું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer