બિનલોહ ધાતુઓ માટે સ્થાનિકમાં ડિલિવરી સાથેનો વાયદો શરૂ થશે

મુંબઈ, 13 નવે.,
દેશમાં છેલ્લા બે દાયકાથી એમસીએક્સ ઉપર ચાલતા બિનલોહ ધાતુના વાયદાની પતાવટ લંડન મેટલ એક્સચેન્જના ભાવ પ્રમાણે થતી આવે છે. જે હવે ટૂંક સમયમાં બંધ થશે. સેબી હવે આ વાયદાને લંડન મેટલ વેપારીઓ એક્ચેન્જને અલગ કરીને દેશના આંતરિક ભાવ પર આધારિત ડિલિવરી સહિતનો વાયદો બનાવવાનું વિચારી રહ્યું છે. એમ સૂત્રોએ જણાવ્યું છે. હાલ તાંબા, નિકલ, જસત જેવા વાયદા એલએમઈ ભાવ મુજબ સેટલ થાય છે. પતાવટના પાયામાં થનારો ફેરફાર અને બીએસઈ તથા એનએસઈના પ્રવેશને કારણે ધાતુ વાયદાનાં કામકાજ અત્યંત સ્પર્ધાત્મક બનવાની સંભાવના જોવાઈ રહી છે.
અગાઉ ફોરવર્ડ માર્કેટ કમિશન (એફએમસી)ના અધ્યક્ષ રમેશ અભિષેકે તમામ કોમોડિટી એક્સચેન્જોને બિનલોહ ધાતુના ડિલિવરી આધારિત કોન્ટ્રાક્ટ શરૂ કરવા સૂચન કર્યું હતું. જોકે, તે પછી એફએમસીને સેબી સાથે જોડી દેવાથી આ સૂચન પાછળ ધકેલાયું હતું.
મુંબઈ સ્થિત કોમોડિટી બજારના બ્રોકરે જણાવ્યું હતું કે `એલએમઈમાં થતી ભાવની મોટી વધઘટથી સ્થાનિક ઉદ્યોગો - ટ્રેડરોને ઘણીવાર નુકસાન થાય છે. હવે જોવાનું રહેશે કે આપણે ત્યાં નવી પદ્ધતિ કેટલી સફળ રહેશે. જો કે, આ પદ્ધતિને લીધે સ્થાનિક ખેલાડીઓને હેજીંગનો વધુ અવકાશ રહેવા સાથે ચલણની વધઘટનું જોખમ નિવારવાનો પણ લાભ થશે.
આ પદ્ધતિ લાગુ કરવા માટે હવે કોમોડિટી એક્સચેંજોએ ધાતુની ડિલિવરી માટે વેરહાઉસિંગ ક્ષમતા ઉભી કરવાની રહેશે.
હાલ એમસીએક્સ પર ચાલતા સોના અને ચાંદી વાયદાની પતાવટ સ્થાનિક ભાવના આધારે થાય છે.
જો કે પુષ્કળ વોલ્યુમ ધરાવતા ક્રૂડ તેલ વાયદાની પતાવટ અમેરિકાના ભાવોને આધારે થાય છે.
એમસીએક્સ પર સપ્ટેમ્બર ત્રિમાસિકમાં પાયાની ધાતુઓના વાયદામાં રૂા. 6.93 લાખ કરોડનાં કામકાજ થયાં હતાં, જે આગલા ત્રિમાસિકથી 28 ટકા વધુ હતાં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer