સૌરાષ્ટ્રમાં મગફળી-કપાસની પૂરબહાર આવક

સૌરાષ્ટ્રમાં મગફળી-કપાસની પૂરબહાર આવક
મગફળીના ભાવ ટેકા કરતાં નીચા ઊતર્યા, મગફળીની સવા લાખ ગૂણી અને કપાસની દોઢ લાખ મણની આવકથી ઊભરાતાં માર્કેટ યાર્ડો 
 
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.13 નવે.
દિવાળીની રજા પછી સૌરાષ્ટ્રભરમાં મગફળી અને કપાસની ધૂમ આવક થવા લાગી છે. મગફળીમાં સરકારી ખરીદી થવાની છે છતાં ખેડૂતો નાણાંની આવશ્યકતા માટે માલ વેંચી રહ્યા છે. ખેડૂતો કહે છે, રવી પાકો માટે નાણાંની સખ્ત જરૂર છે. હવે ઠંડી પડવાને લીધે વાવણી ધીરે ધીરે શરૂ થઇ છે. મગફળીમાં સરકારી ખરીદી હવે બે દિવસમાં થવાની છે પણ રોકડાં પૈસા માટે અમે યાર્ડમાં વેંચી રહ્યા છીએ. ખેડૂતોની ભારે વેચવાલીને લીધે મગફળી ટેકાના ભાવ કરતાં સસ્તી વેચાઇ રહી છે.
લાભપાંચમે સોમવારે સૌરાષ્ટ્રભરમાં દોઢ લાખ ગૂણી મગફળી આવી હતી. મંગળવારે આવક થોડી કપાઇ ગઇ હતી છતાં એક લાખ ગૂણી સમગ્ર સૌરાષ્ટ્રમાં ઠલવાઇ હતી. મગફળીનો ભાવ-પુરવઠાના બોજને લીધે ઘટીને ઝીણીમાં રૂા. 800-925 અને જાડીમાં રૂા. 810-944 થઇ ગયો હતો.સરકાર ગુરુવારથી રૂા. 1000ના ભાવથી મગફળી ખરીદવાની છે.
ખેડૂતોનું કહેવું છે કે, મગફળીનો સરેરાશ ભાવ રૂા. 850-900ની વચ્ચે પ્રાપ્ત થાય છે, પરંતુ રોકડાં નાણાં મળી જતાં હોવાથી ખેડૂતો સરકારને વેચવા જવા માગતાં નથી. સરકારી ખરીદીમાં વિવિધ કાગળોની મગજમારી, એકથી બીજી કચેરીના ધરમધક્કા અને લાંબી લાંબી લાઇનોને લીધે ખેડૂતો કંટાળી ગયા છે. ઘણી જગ્યાઓ ઉપર સર્વરની પણ મુશ્કેલી પડી રહી છે.
સોમવારે રાજકોટમાં 40 હજાર ગૂણી મગફળી આવ્યા પછી મંગળવારે 11 હજાર ગૂણી આવક હતી. ગોંડલમાં બે દિવસથી 20 હજાર ગૂણી આવક થાય છે. જૂનાગઢ, મહુવા, ભાવનગર, જામનગર, કોડિનાર, તાલાલા અને કેશોદ પંથકમાં આવકો સોમવારની તુલનાએ ઘટી છે છતાં આવક નોંધપાત્ર છે.
ચાલુ વર્ષે પાછોતરા વરસાદની તંગીને લીધે મગફળીના ઉત્પાદનને ફટકો પડયો છે. વાવેતર ગયા વર્ષની તુલનાએ સામાન્ય ઘટયું હતું, પરંતુ ઉત્પાદનમાં અર્ધોઅર્ધ ઘટાડો થતાં ફક્ત 15-16 લાખ ટન વચ્ચે મગફળી આવવાની ધારણા છે. ગયા વર્ષમાં 28 લાખ ટનનું ઉત્પાદન થયું હતું.
મગફળીની માફક કપાસની આવકો પણ ચિક્કાર છે. જોકે ખેડૂતોને ટેકા કરતાં ઊંંચો ભાવ કપાસમાં પ્રાપ્ત થઇ રહ્યો છે. કપાસનો ટેકાનો ભાવ પ્રતિ મણ રૂા. 1090 છે. તેની તુલનાએ યાર્ડોમાં કપાસ રૂા. 1150-1160માં મળે છે. ગામડે બેઠાં ખેડૂતો રૂા. 1180માં વેંચી રહ્યા છે. હળવદ, બોટાદ, રાજકોટ, બાબરા, ભેસાણ, અમરેલી, વિંછિયા, વાંકાનેર વગેરે જેવા સેન્ટરોમાં ચિક્કાર આવક છે. સૌરાષ્ટ્રમાં રોજ સવાથી દોઢ લાખ મણ કપાસ આવી રહ્યું છે. કપાસનું ઉત્પાદન પણ પાછોતરા વરસાદના અભાવમાં ઓછું રહેવાની શક્યતા છે. રૂનો પાક આશરે 70થી 80 લાખ ગાંસડી વચ્ચે રહેવાની ધારણા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer