મગફળીની સરકારી ખરીદીનો ગુરુવારથી આરંભ થશે

મગફળીની સરકારી ખરીદીનો ગુરુવારથી આરંભ થશે
સરકાર રૂા. 1000ના ભાવથી મગફળી ખરીદશે : દોઢ લાખ ખેડૂતોએ નોંધણી કરાવી
 
રાજકોટ.તા.13 નવે.
ટેકાના ભાવે મગફળી વેચવા માટે ગુજરાતના કુલ દોઢેક લાખ જેટલા ખેડૂતોએ પુરવઠા વિભાગમાં નોંધણી કરાવી છે. આગામી ગુરુવારથી ગુજરાતમાં મગફ્ળીની ટેકાના ભાવથી ખરીદી થવાની છે એ માટેની તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે. હવે નોંધાયેલા ખેડૂતોનો માલ ખરીદવામાં આવશે.
પુરવઠા વિભાગે કહ્યું કે, સવારે અગિયાર વાગ્યા સુધીમાં 1,49,411 ખેડૂતોએ નોંધણી કરાવી લીધી છે. સાંજ સુધીમાં દોઢ લાખનો આંકડો પાર કરી લેવામાં આવશે. પાછલી સિઝનમાં ગુજકોટ દ્વારા મહત્તમ ખરીદી થયા બાદ બેફામ ભ્રષ્ટાચાર થઇ રહ્યો હોવાની બૂમ ઊઠી હતી. એ કારણે હવે પુરવઠા નિગમ દ્વારા સીધી જ ખરીદી કરવામાં આવશે. મુખ્ય નોડલ એજન્સી તરીકે નાફેડ રહેવાની છે.
સરકારે મણે રૂા. 30નું બોનસ આપીને રૂા. 1000ના ભાવથી ખરીદી કરવાની જાહેરાત કરી છે. ખૂલ્લા બજારમાં મગફળીનો ભાવ સરેરાશ રૂા. 850-900 વચ્ચે ચાલી રહ્યો છે.
ગુજરાતમાં કુલ 122 કેન્દ્રો ખરીદી માટે ખોલવામાં આવનાર છે. જરૂરિયાત અનુસાર કેન્દ્રો ખૂલશે. જોકે, ખરીદી મુખ્યત્વે  ફેર ઍવરેજ ક્વોલિટીની કરવામાં આવશે. સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં કુલ 68 કેન્દ્રો ખોલવામાં આવશે. સૌરાષ્ટ્રમાં મહત્તમ કેન્દ્રો હશે. ઉત્તર ગુજરાતમાં 30 કેન્દ્રો ખૂલશે. ખેડૂતો મગફળી વેચાણ માટે અૉનલાઇન નોંધણી કરાવી રહ્યા છે. એમાં જરૂરી કાગળો આપવાના છે.
ખેડૂતોએ જમીન, ઓળખના પૂરાવા, બૅન્કની વિગત, પાણીપત્રક, જમીનમાં વાવેતરની વિગત સહિતના કાગળો જમા કરાવવાના છે એ પછી જ નોંધણી કરવામાં આવેલા ખેડૂતનો જેતે કેન્દ્રમાં વેચાણનો દિવસ અને સમય આપવામાં આવશે. આગામી ગુરુવારથી ખરીદીનો આરંભ થશે. સરકારે કેટલી મગફળી ખરીદવાની છે તેની જાહેરાત કરાઇ નથી, પરંતુ ખેડૂત પાસેથી માલ મળશે ત્યાં સુધી ખરીદી થાય તેવી શક્યતા છે. ગયા વર્ષમાં ખેડૂતો પાસેથી સરકારે સાડા આઠ લાખ ટન મગફળી ખરીદી હતી. એમાંથી ચારેક લાખ ટન મગફળી હજુ પણ નાફેડ પાસે પડી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer