કપાસને વધુપડતી સબસિડી આપવાના અમેરિકાના આક્ષેપને ભારતે નકાર્યો

કપાસને વધુપડતી સબસિડી આપવાના અમેરિકાના આક્ષેપને ભારતે નકાર્યો
જિનીવા, તા. 13 નવે.
ભારતે કપાસને બજારભાવ સહાય તરીકે આપેલી સબસિડી આંતરરાષ્ટ્રીય સંધિનો ભંગ કરનારી હોવાના અમેરિકાના આક્ષેપને ભારતે નકારી કાઢ્યો છે.  
અમેરિકાએ વિશ્વ વ્યાપાર સંસ્થા (વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન-ડબ્લ્યુટીઓ)માં ફરિયાદ કરી હતી કે ભારત છેલ્લાં સાત વર્ષથી કપાસના  ખેડૂતોને ડબ્લ્યુટીઓ કરારમાં મંજૂર કરાઈ હોય તેનાથી વધુ ભાવસહાય આપી રહ્યું છે. વિકાસશીલ દેશોને કુલ પાકના મૂલ્યના દસ ટકા સુધીની ભાવ સહાય આપવાની છૂટ અપાઈ છે.  
અગાઉ અમેરિકા ભારત સામે ઘઉં અને ચોખાની બજારભાવ સહાય વિષે પણ ડબ્લ્યુટીઓમાં આ જ પ્રકારની ફરિયાદ કરી ચૂક્યું છે. અમેરિકાની ફરિયાદ કહે છે કે 2010થી 2017 દરમિયાન ભારતે કપાસના ખેડૂતોને આપેલી બજારભાવ સહાય તેના પાકના કુલ મૂલ્યના 53 ટકાથી 81 ટકા જેટલી હતી. કપાસ માટેની ભાવસહાય નિરપેક્ષ રીતે તેમ જ કુલ પાકના મૂલ્યની દૃષ્ટિએ ઘણી ઊંચી હતી એમ અમેરિકા કહે છે. તેનો આક્ષેપ છે કે ભારતે આ સંબંધે ડબ્લ્યુટીઓ સમક્ષ નોંધાવેલું નિવેદન કપાસ પરની ભાવ સહાયને નાટ્યાત્મક રીતે ઓછી બતાવે છે. `દાખલા તરીકે 2015-16માં ભારતે કપાસના પાકને રૂા. 50.4 કરોડ રૂપિયાની ભાવસહાય આપી હોવાનું કહ્યું છે, પરંતુ અમેરિકાના અંદાજો અનુસાર આ સહાય રૂ. 117.5 કરોડની હતી.' 
ડબ્લ્યુટીઓ કરાર અન્વયે ખેતપેદાશો માટેની ભાવસહાયની ગણતરી સરકારે ઠરાવેલ સ્થાનિક ભાવ અને સંબંધિત ચીજના 1986-88 દરમિયાન પ્રવર્તતા ભાવ વચ્ચેના તફાવતને માન્ય રખાયેલા ઉત્પાદનને ગુણવાથી આવેલી રકમના આધારે કરવામાં આવે છે. ભારતે ભાવસહાયની ગણતરી કરવાની આ પદ્ધતિ સામે પહેલથી જ વિરોધ નોંધાવ્યો છે. બીજા 45 દેશો સાથે તેનું પણ એમ કહેવું છે કે ભાવસહાયની ગણતરી 1986-88ના નહીં પરંતુ તાજેતરના ભાવને આધારે થવી જોઈએ. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer