રાજસ્થાન નાફેડે લિલામ મોકૂફ રાખતાં સરસવમાં તેજી

રાજસ્થાન નાફેડે લિલામ મોકૂફ રાખતાં સરસવમાં તેજી
કલ્પેશ શેઠ
મુંબઈ તા. 13, નવે.
રવી તેલિબિયાં તરીકે પ્રસિધ્ધ સરસવનું પ્રસ્તાવિત અૉક્શન રાજસ્થાન નાફેડે અચાનક નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મોકુફ રાખવાનો નિર્ણય કરતાં સરસવનાં ભાવમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. બાકી હોય તો આગામી સિઝનમાં દેશમાં સરસવના વાવેતર તથા ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના પણ વ્યવસાયિક વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે.
નાફેડ પાસે અગાઉ આશરે 8.75 લાખ ટન સરસવનો સ્ટોક હતો જે ધીમે ધીમે નાફેડે ઘટાડવાનો નિર્ણય કર્યો હતો. હાલમાં પાંચ લાખ ટન જેટલી સરસવનું અૉક્શન કરવાનું નાફેડનું આયોજન હતું જેના માટે જાહેરાત પણ કરવામાં આવી હતી, પણ વ્યવસાયિક સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે નાફેડને સરસવનું વેચાણ સરકારે નક્કી કરેલા ટેકાના ભાવે એટલે કે 4000 રૂપિયાના ભાવે કરવું છે. જ્યારે હાલમાં નાફેડને જે પ્રપોઝલો મળી છે તે વિવિધ સેન્ટરોમાં 3850 રૂપિયાથી માંડીને 3920 રૂપિયા વચ્ચેની મળી છે.
બીજીતરફ આ નિર્ણયની જાણ થતાં જ હાજર બજારમાં પણ સરસવના ભાવમાં ઉછાળો આવ્યો છે. વાયદામાં 4044 રૂપિયાના ભાવે વેચાયેલી સરસવના ભાવ વધીને 4125 સુધી ગયા હતા.જો આવો જ તેજીનો માહોલ રહે તો વેપારીઓની વધતાં બજારે પણ લેવાલી નીકળી શકે અને નાફેડ ફરી સરસવનાં અૉક્શનની જાહેરાત કરી શકે છે.
દિવાળીનાં તહેવારો બાદ માર્કેટ યાર્ડોમાં કારોબારનાં સોમવારે મૂહુર્તતો થયા હતા, પણ સોદા પાંખા હતા. રવી વાવેતરનો સમય છે ત્યારે આ વખતે સરસવનાં વાવેતરમાં અગાઉની ધારણા કરતાં ઘટાડોથવાનું અનુમાન છે, કારણ કે ગુજરાતમાં પાછોતરા વરસાદની ખેંચનાં કારણે ઉતારા ઓછા આવશે. આ વખતે અત્યાર સુધીમાં 0.378 લાખ હેકટરમાં સરસવનું વાવેતર થયું છે. જે ગત સાલ 0.919 લાખ હેકટરમાં નોંધાયું હતું. રાજસ્થાનમાં પણ સરસવનું વાવેતર ઓણ સાલ છેલ્લાં પાંચ વર્ષની સરેરાશ કરતાં ઓછું થવાની ધારણા વ્યક્ત થઇ રહી છૈ. બિહાર તથા આસામમાં પણ આ વખતે હજુ સુધી સરસવનું વાવેતર છેલ્લાં ચાર વર્ષની સરેરાશ કરતાં નબળું હોવાની ધારણા વ્યક્ત થઇ છે. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે 10મી નવેમ્બર સુધીમાં દેશમાં કુલ 34.7 લાખ હેક્ટર વિસ્તારમાં સરસવનું વાવેતર થયું છે. જે છેલ્લાં પાંચ વર્ષનું સૌથી ઓછું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer