નિકાસવૃદ્ધિ વેગ પકડે તેવી ફિઓને આશા

નિકાસવૃદ્ધિ વેગ પકડે તેવી ફિઓને આશા
સપ્ટે.માં અનેક આઇટમોની નિકાસમાં ઘટાડા પછી
 
નવી દિલ્હી, તા. 13 નવે.
સપ્ટેમ્બર મહિનામાં કુલ 30 ક્ષેત્રોમાંથી 16 ક્ષેત્રની નિકાસ ઘટી હોવાનું જણાયું છે.
સપ્ટેમ્બરમાં કુલ નિકાસ 2017ના સપ્ટેમ્બરની સમાન સરખામણીએ 2.15 ટકા વધીને 27.95 અબજ ડૉલર થઈ હતી. ચોખા, ચા, કૉફી, તમાકુ, એન્જિનિયરિંગ, ચામડું, તેજાના, કાજુ, ફળ અને શાકભાજી, દરિયાઈ ઉત્પાદનો તથા જેમ્સ ઍન્ડ જ્વેલરી સહિતની 16 જેટલાં મુખ્ય ક્ષેત્રોની દેશાવરોમાં નિકાસ સપ્ટેમ્બરમાં ઘટી હતી એમ વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
ફેડરેશન અૉફ ઇન્ડિયન એક્ષ્પોર્ટ અૉર્ગનાઇઝેશન (ફિઓ)ના પ્રમુખ ગણેશ ગુપ્તાએ કહ્યું હતું કે ગયા વર્ષના સપ્ટેમ્બરના ઊંચા પાયાની અસરને પરિણામે સપ્ટેમ્બરમાં નિકાસ ઘટવા પામી હતી. જોકે નિકાસ અૉર્ડર સારી સંખ્યામાં હોવાથી આગામી સમયમાં નિકાસ વૃદ્ધિ સારી રહેશે એવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
સરકારે નિકાસ ધિરાણ ઉપરના વ્યાજની સબસિડી ત્રણ ટકાથી વધારીને પાંચ ટકા કરી હોવાથી નિકાસને ફરી વેગ મળશે. એમ તેમણે કહ્યું હતું. નિકાસકારોને બૅન્ક ધિરાણ સરળતાથી મળી રહે તે જોવાની જરૂર છે, એમ કહેતા ગુપ્તાએ ઉમેર્યું છે. નિકાસ બે આંકડામાં વધી રહી હોય ત્યારે બૅન્ક ધિરાણ ઘટે તો નિકાસ વૃદ્ધિનું ભાવિ ઊજળું નથી.
સપ્ટેમ્બરમાં એન્જિનિયરિંગ, રેડીમેડ ગારમેન્ટ, જેમ્સ ઍન્ડ જ્વેલરી અને ચર્મ ચીજોની નિકાસ અનુક્રમે 4.12 ટકા, 33.58 ટકા, 21.7 ટકા, 13 ટકા ઘટી હતી.
નિકાસમાં આ ક્ષેત્રોનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. તથા દેશની કુલ નિકાસમાં 10 ટકા જેટલો હિસ્સો ધરાવતાં કૃષિ ઊપજોની નિકાસ પણ સપ્ટેમ્બરમાં ઘટી હતી. સરકાર ટૂંક સમયમાં નવી નિકાસ નીતિ લાવી રહી છે.
કૃષિ ઊપજોની મુખ્ય 13માંથી 8 ઊપજોની નિકાસ ઘટી હતી. ચોખા, કાજુ અને ચાની નિકાસ અનુક્રમે 31.64 ટકા, 29.3 ટકા અને 15 ટકા ઘટી છે. જોકે, ફાર્માસ્યુટિકલ્સ, પ્લાસ્ટિક, રસાયણ અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓની નિકાસે સપ્ટેમ્બરમાં હકારાત્મક વૃદ્ધિ નોંધાવી હતી.
આ વર્ષે એપ્રિલ/અૉગસ્ટ દરમિયાન 12.54 ટકાની નિકાસ વૃદ્ધિ નોંધાઈ છે. આયાત 16.16 ટકા નોંધાવાથી આ વર્ષના પૂર્વાર્ધમાં વેપાર ખાધ 94.32 અબજ ડૉલરની રહી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer