દિવાળીએ અનેક બજારોના વેપારીઓના ચહેરા ઉપર ખુશી આવી નહીં

દિવાળીએ અનેક બજારોના વેપારીઓના ચહેરા ઉપર ખુશી આવી નહીં
ડ્રાયફ્રૂટ, બિનલોહ ધાતુ બજારમાં અપવાદરૂપ સારાં કામકાજ થયાં
 
મણિલાલ ગાલા, સૈફી રંગવાલા
મુંબઈ, તા. 13 નવે.
દિવાળી આવી અને ગઈ. વિક્રમના નવા વર્ષ 2075નો આરંભ થયો અને લાભ પાંચમે બજારમાં ધંધા ફરીથી પૂર્વવત થઈ રહ્યા છે ત્યારે આ દિવાળીમાં વેપાર-ધંધામાં શહેરના કેટલાક વેપારીઓને પૂછ્યું કે તમારા બજારની દિવાળી કેવી રહી? જવાબમાં મિશ્ર પ્રત્યાઘાત સાંપડયા હતા. ડ્રાયફ્રૂટ અને બિનલોહ ધાતુ સિવાયની બજારોમાં દિવાળી સારી ગઈ હોવાનું કોઈએ કહ્યું નહોતું.
રેડીમેડ ગાર્મેન્ટ, શુટિંગ અને શર્ટિંગના વેપારીઓનો સામાન્ય સૂર એવો રહ્યો હતો કે આ દિવાળીમાં વેપાર 25થી 30 ટકા ઘટયો હતો. એવી જ રીતે ટેલરિંગનો ધંધો પણ ઠંડો રહ્યો. જોકે, ડ્રાયફ્રૂટસમાં આ વખતે વેપાર સારા થયા હતા. મીઠાઈ-ચોકલેટમાં વેપાર ઓછા થયા હતા.
બોરીવલીના ઈન્દ્રપ્રસ્થ શોપિંગ સેન્ટરમાં અરિહંત રેડીમેડ સ્ટોર્સના માલિક કુંવરજી ગાલાએ જણાવ્યું હતું કે આ દિવાળી પહેલાં માત્ર છેલ્લા ત્રણ-ચાર દિવસ જ ઘરાકી નીકળી હતી. એકંદરે વેપાર 30થી 35 ટકા ઓછો હતો. સામાન્ય રીતે દિવાળીમાં ઓછામાં ઓછા સતત 15 દિવસ સુધી ઘરાકી રહેતી હોય છે, પરંતુ આ વર્ષે એવું જણાયું નહીં.
બોરીવલીના જ મોક્ષ પ્લાઝામાં દુકાન ધરાવતા સ્વસ્તિક ફેશનના ઝૈમિત સોનીએ જણાવ્યું હતું કે આ વખતે ખરીદીમાં ઉત્સાહ ઓછો હતો. લોકોની ખરીદશક્તિ ઓછી જણાઈ. લોકો દિવાળીમાં સામાન્ય રીતે મોંઘી ચીજ લે, પરંતુ આ વખતે સસ્તું વધુ જોતા હતા.
શર્ટ અને ટ્રાઉઝરના હોલસેલ અને રિટેલની કંપની વત્સલ આર્ટસના શૈલેશ દેઢિયાએ જણાવ્યું હતું કે રિટેલ અને હોલસેલમાં ધંધો 25થી 30 ટકા હતો. નાણાંની લિક્વિડિટી ઓછી જણાઈ હતી. લોકોની ખરીદશક્તિ પણ ઓછી હતી. ખાસ કરીને પુરુષો તેમની પત્ની અને બાળકો માટે ખરીદતા હતા અને પૈસા બચે તો પોતાના માટે ખરીદતા હતા. એટલે જેન્ટસવેરમાં તો વેપાર વધુ ઓછો જણાયો હતો. ઓનલાઈન વેપારની પણ અસર જણાઈ રહી છે. આ વખતે દુબઈમાં થતા એકસપોર્ટમાં પણ મોટો ઘટાડો જણાયો હતો.
હિન્દમાતાના કવોલિટી કટપીસ સેન્ટરના માલિક દીપકભાઈ ગોગરીએ જણાવ્યું હતું કે અમારો મૂળ વેપાર બેડશીટ, પીલોકવર, નેપકીન વગેરેનો છે. અમને દિવાળીમાં ફુરસદ નથી હોતી, પરંતુ આ વખતે વેપાર 50થી 60 ટકા ડાઉન હતો. સામાન્ય રીતે શ્રાદ્ધ પક્ષ પત્યા પછી ઘરાકી શરૂ થઈ જતી હોય છે, પરંતુ આ વખતે માંડ ત્રણ-ચાર દિવસ ઘરાકી જણાઈ હતી.
હિન્દમાતામાં જ `અર્હમ ક્રિયેશન્સ' નામે શુટિંગ શર્ટિંગનો વેપાર કરતા રાહુલ નંદુએ જણાવ્યું હતું કે આ દિવાળીમાં બિઝનેસ 70 ટકા ડાઉન રહ્યો હતો. છેલ્લા ચાર દિવસ જ ઘરાકી રહી હતી.
હિન્દમાતા કલોથ સેન્ટરના નામે ખાસ કરીને સાડીઓનો વેપાર કરતા મિહિર ચેતન સાવલાએ જણાવ્યું હતું કે અમને તો આજે પણ વાત કરવાની ફુરસદ નથી. અમારી દિવાળી સારી રહી અને હવે લગ્નસરાની ઘરાકી પણ એવી જ નીકળી છે.
બોરીવલી પશ્ચિમમાં ચંદાવરકર રોડ પર મીઠાઈ, ડ્રાયફ્રૂટસ, ફરસાણ અને ચોકલેટનાં વેચાણમાં પ્રતિષ્ઠિત નામ ગણાતા શ્રીગણેશ શ્રી સ્ટોર્સના માલિક ગિરીશભાઈ વિસરિયાએ જણાવ્યું હતું કે આ દિવાળીમાં વેપારમાં 25થી 30 ટકા ગાબડું જણાયું છે. તેમણે કહ્યું હતું કે આ વર્ષે ખરીદદારોની ખરીદશક્તિ ઓછી જણાઈ હતી અને તેઓ કવોન્ટિટી પણ ઓછી ખરીદતા હતા. એકંદરે ઘરાકી દિવાળીને છાજે એવી નહોતી.
મુંબઈ ડ્રાયફ્રૂટસ એન્ડ ડેટસ મર્ચન્ટસ એસોસિયેશનના પ્રમુખ વિજય ભુતાએ જણાવ્યું હતું કે ડ્રાયફ્રૂટસના જથ્થાબંધ વેપારીઓ માટે દિવાળીના વેપારમાં કોઈ ઘટાડો જણાયો નહોતો. આ વખતે મીઠાઈ કરતાં બદામ સસ્તી રહેતા લોકોએ બદામ સહિત અન્ય ડ્રાયફ્રૂટસ પર પસંદગી ઉતારી હતી.
બિનલોહ ધાતુ બજારમાં દિવાળીનો ઉત્સાહ સમગ્ર રીતે જળવાયો હતો. આજના સમયમાં તાંબુ, જસત, સીસા જેવી ધાતુનો વપરાશ હજારો પ્રોડક્ટમાં થતો હોવાથી બજારના ઉદ્યોગ બિઝનેસને ઓછા-વત્તે અંશે અૉર્ડર મળતા રહે છે. આ દિવાળીમાં પણ મુહૂર્તમાં સોદા સહિત બિનલોહ ધાતુ બજારમાં કામકાજનું પ્રમાણ જળવાયું હતું.
બૉમ્બે મેટલ એક્સ્ચેંજના ભૂતપૂર્વ પ્રમુખ અને સ્ટોકિસ્ટ અશોક બાફનાએ જણાવ્યું હતું કે `બિનલોહ ધાતુ બજારમાં દિવાળી સમગ્ર રીતે સારી રહી ગણી શકાય. મુહૂર્તમાં કામકાજ પણ પ્રતિ વર્ષની જેમ ચાલુ રહ્યા છે. જોકે, બજારને નાણાભીડ નડી રહી છે. પરંતુ અન્ય બજારોની સરખામણીએ બિનલોહ ધાતુ બજારની દિવાળી સારી હતી, એમ કહી શકાય.'
બોમ્બે મેટલ એક્ચચેંજના ભૂતપૂર્વ પ્રમુખ હેમંત પારેખે જણાવ્યું કે હતું કે ખાસ વેપારધંધા શરૂ થયા નથી. વેપારીઓ હવે એકાદ અઠવાડિયામાં નિયમિત કામકાજ શરૂ કરશે.
લોખંડ બજારમાં છેલ્લાં ઘણાં વર્ષોથી દિવાળી મુહૂર્તની પ્રથા ભૂંસાતી જાય છે. હિસાબના ચોપડા રાખવાનો યુગ જાણે પૂરો થયો હોય તેમ મુહૂર્તના સોદાની પ્રથા પણ ભૂંસાતી જાય છે. આમ છતાં એક અગ્રણી સ્ટોકિસ્ટ ચંદ્રેશ મહેતાએ જણાવ્યું કે `દિવાળી અગાઉથી બુક થતાં અગાઉની જેમ અૉર્ડર હવે રહ્યા નથી. પરંતુ સોમવારની લાભ (પાંચમ)થી બજારમાં માલની હેરાફેરી ધીમે ધીમે શરૂ થઈ રહી છે. જોકે, તમામ સ્તરે નોંધપાત્ર કામકાજ થયાં નથી. મારા અંગત મતે નવેમ્બર પૂરો થયા પછી બજારમાં નવાં કામકાજ નીકળશે. બજારમાં નાણાં પ્રવાહિતાની સખત અછત કનડી રહી છે.'
ઓનલાઇન સંખ્યાબંધ પ્રોડક્ટો ઘરબેઠા મળી જતી હોવાથી અનેક બજારના રિટેલરોની સમગ્ર રીતે ઘરાકી ઘટી છે. પરંતુ સ્ટેનલેસ સ્ટીલ, વાસણ કટલરીમાં મોંઘા ભાવના કિચનવેર જેવી પ્રોડક્ટ સિવાય ઓછી કિંમતનાં વાસણ-કટલરીની માગ દિવાળીમાં સ્થિર રીતે ચાલુ રહી છે. જોકે, મુહૂર્તના સોદાનું પ્રમાણ ધીમું રહ્યું હતું.
બીજી તરફ વાસણ-કટલરીના નિકાસકારોને રૂપિયાના મૂલ્ય ઘટાડાથી અચાનક અણધાર્યો લાભ થયો છે. અૉલ ઇન્ડિયા સ્ટેનલેસ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિયેશનના ખજાનચી અનિલ અગ્રવાલે જણાવ્યું છે કે `દિવાળી આસપાસ ડૉલરનું મૂલ્ય વધવાથી અમને નિકાસમાં સારો લાભ થયો છે. અમારી નિકાસ અૉર્ડર માટેની સ્પર્ધાત્મકતા વધી છે. બીજી તરફ વિદેશી ગ્રાહકોને મોકલેલ અગાઉના અૉર્ડરમાં પણ કેટલાક સ્તરે લાભ થયો છે. જેથી નિકાસકારોની દિવાળી સુધરી ગઈ હતી.'
અૉલ ઇન્ડિયા હાર્ડવેર ઍસોસિયેશનના ખજાનચી ગોવિંદ અગ્રવાલે જણાવ્યું કે `અગાઉની જેમ પરંપરાગત ઉત્સાહ કે મુહૂર્ત જેવું કાંઈ રહ્યું નથી. માત્ર નામપૂરતી અૉફિસ અથવા દુકાનમાં પાંચમના દિવસે શરૂઆત કરાય છે. બાકી ચાલુ વર્ષે નાણાભીડ જબરજસ્ત રહી હોવાથી નવા ઓર્ડર મોકલવા માટે વિચારવું પડે તેવી સ્થિતિ બની છે. જેથી સમગ્ર રીતે દિવાળીનો કોઈ ખાસ ઉત્સાહ જણાતો નથી.'

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer