એશિયાઈ બજારો પાછળ સેન્સેક્ષ 332 પૉઈન્ટ વધ્યો

એશિયાઈ બજારો પાછળ સેન્સેક્ષ 332 પૉઈન્ટ વધ્યો
વ્યાપાર ટીમ
મુંબઈ, તા.13 નવે.
એશિયાના શૅર બજારોમાં આજે સુધારો, ક્રૂડતેલના ભાવમાં ઘટાડો અને ઊર્જા તેમ જ બૅન્કિંગ શૅર્સમાં લેવાલીને પગલે સ્થાનિક શૅરબજારો વધ્યા હતા. બીએસઈ સેન્સેક્સ 332 પોઈન્ટ્સ (1 ટકા) વધીને 35,144 જ્યારે નિફ્ટી50,100 પોઈન્ટ્સ (1 ટકા) વધીને 10,583 ઉપર બંધ રહ્યો હતો. 
ક્ષેત્રવાર સૂચકાંકોમાં નિફ્ટી ફાર્મા સૂચકાંક 1 ટકા ઘટયો હતો. સન ફાર્મા અને ઓરોબિંદો ફાર્માના શૅર્સમાં ઘટાડાને પગલે સૂચકાંક એકંદર ઘટયો હતો. જ્યારે નિફ્ટી રિયલ્ટી સૂચકાંક 0.61 ટકા ઘટીને 221.40 ઉપર બંધ રહ્યો હતો. 
રેડિકો ખૈતાનનો સપ્ટેમ્બર ત્રિમાસિક નફો વાર્ષિક ધોરણે 73 ટકા વધીને રૂા. 49.5 કરોડ થતાં શૅર આજે આઠ ટકા વધ્યો હતો. ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીનો ત્રિમાસિક નફો રૂા. 28.6 કરોડ હતો. કંપનીની સૂચિત ત્રિમાસિક ગાળામાં કામકાજની આવક 28 ટકા વધીને રૂા. 19.06 અબજ થઈ હતી. નફાનો ગાળો વાર્ષિક ધોરણે 3 ટકા વધીને 17.71 ટકા થયો હતો, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં 14.65 ટકા હતો. જ્યારે અલ્હાબાદ બૅન્કનો શૅર 10 ટકા ઘટયો હતો. બૅન્કના સપ્ટેમ્બર ત્રિમાસિક નાણાકીય પરિણામ નબળા આવતાં શૅર્સમાં આ ગાબડુ પડયું હતું. સૂચિત ત્રિમાસિક ગાળામાં બૅન્કની ડૂબેલી લોન સામેની ઊંચી જોગવાઈ અને વ્યાજની ઓછી આવકને લીધે ચોખ્ખી ખોટ રૂા. 18.23 અબજ હતી, જ્યારે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં બૅન્કનો ચોખ્ખો નફો રૂા. 70.2 કરોડ હતો. જૂન ત્રિમાસિકમાં પણ બૅન્કને રૂા. 19.44 અબજની ખોટ થઈ હતી. 
ચીન-અમેરિકા ટેરિફ યુદ્ધ ખતમ થવાના આશાવાદે એશિયાના બજારોમાં સુધારો પ્રેરાયો હતો. યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના પ્રમુખ ઝિનપિંગની મિટિંગ મળે તે પહેલાં બંને દેશના ઉચ્ચ અધિકારીઓ અમેરિકામાં મળશે તેવા અહેવાલોથી એશિયાના બજારોમાં સુધારો આવ્યો હતો. એસએન્ડપી 500 અને ડાઉ 0.5 ટકા વધ્યો હતો, જ્યારે એફટીએસઈ ફ્યૂચર્સ 0.2 ટકા ઊંચા મથાળે ટ્રેડ થઈ રહ્યા હતા. બ્લુ-ચીપ ઈન્ડેક્સ એક ટકા જેટલો વધતા ચીનના શૅર્સમાં પણ રિકવરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer