એમસીએક્સમાં પણ એનએસઈ જેવી ડેટા ચોરી

કેસની થઈ રહેલી તપાસ 
 
મુંબઈ, તા. 4 ડિસે.
મલ્ટિ કૉમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) વર્ષ 2016માં ઈન્દિરા ગાંધી ઈન્સ્ટિટયૂટ અૉફ ડેવલપમેન્ટ રિસર્ચ (આઈજીઆઈડીઆર)ના ડેટા શૅર કરવાના કરારનો દુરઉપયોગ થયો હોવા બદલ ઍક્સચેન્જ તપાસ કરી રહી છે.
વ્હિસલ બ્લોઅર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે એમસીએક્સ ડેટાને અજય શાહે એક્સેસ કર્યા હતા. જેની તપાસ નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ની અલ્ગો ટ્રેડિંગ કૌભાંડમાં પણ થઈ રહી છે. આવા જ પ્રકારની વ્હિસલ બ્લોઅર દ્વારા એનએસઈની કાર્યપ્રણાલી પ્રકાશમાં આવી હતી, પરિણામે બજાર નિયામક સેબી અને સીબીઆઈએ તપાસ શરૂ કરી હતી. 
એમસીએક્સના વ્હિસલ બ્લોઅરે દાવો કર્યો છે કે એમસીએક્સ અજય શાહ દ્વારા એક્સેસ થઈ રહ્યું છે, જ્યારે તેમની પત્ની સુસન થોમસ આઈજીઆઈડીઆરમાં રિસર્ચર અને પ્રોફેસર છે. આ બંને ઉપર એનએસઈ કેસના તપાસના વાદળો છે. તેથી આઈજીઆઈડીઆર અને થોમસને સપ્ટેમ્બર 2016માં એમસીએક્સ દ્વારા શૅર કરવામાં આવેલી માહિતી શંકાસ્પદ છે, એમ સૂત્રોનું કહેવું છે. 
એમસીએક્સના એમડી અને સીઈઓ મૃગાંક પરાંજપેએ પ્રતિક્રિયા આપવાનું નકાર્યું હતું. તેમ જ એમસીએક્સ, શાહ અને થોમસે ઈમેઈલનો કોઈ જવાબ આપ્યો નથી. 
શાહ અગાઉ કૉંગ્રેસના અધ્યક્ષતાની યુપીએ સરકારના સમયે કેન્દ્રીય નાણાં મંત્રાલયના ભૂતપૂર્વ કરન્સલટન્ટ હતા. તેમના ઉપર આરોપ છે કે તેમણે બ્રોકર્સને પ્રાધાન્યતા આપી એક્સેસ આપ્યું હતું. 
અત્યારસુધીમાં સેબીએ શાહને એનએસઈના કેસ સંબંધિત શો-કોઝ નોટિસ ફટકારી છે, પરંતુ એમસીએક્સ સંબંધિત ફટકારી નથી. સેબી હવે એ શક્યતાને તપાસી રહી છે કે કઈ રીતે એક્સચેન્જ આઈજીઆઈડીઆર સાથે ડેટા શૅર કરતી હતી. એવો પણ આરોપ છે કે ટ્રેડિંગ સત્ર પૂરું થયા બાદ સાંજના સમયે એમસીએક્સ અને આઈજીઆઈડીઆર વચ્ચે મહત્ત્વની માહિતીઓની આપ-લે થતી હતી. સૂત્રોએ કહ્યું કે એમસીએક્સના અધિકારીઓએ સેબીને જણાવ્યું કે સપ્ટેમ્બર 2016માં જ્યારે આઈજીઆઈડીઆર સાથે ડેટા શૅરિંગના કરાર થયા ત્યારે તેમને અલ્ગો ટ્રેડિંગ કૌભાંડ કે પ્રેફરેન્શિયલ ધોરણે આપવામાં આવેલા એક્સેસથી અવગત નહોતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer