બજારનો અંડરટોન નકારાત્મક રહેવાથી નિફટી 14 અને સેન્સેક્ષમાં 107 પૉઈન્ટનો ઘટાડો

આઈટી સિવાયના તમામ ઉદ્યોગોના શૅરોમાં વેચવાલી
 
વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 4 ડિસે.
એશિયન બજારોમાં ઘટાડો અને ક્રૂડતેલના ભાવમાં સુધારાના સંકેતથી સ્થાનિક બજારમાં નવેસરથી ઘટાડાના સંકેત મળ્યા હતા. સ્થાનિક બજાર વધુપડતા લેણની સ્થિતિમાં હોવાથી સંસ્થાઓ અને સટોડિયાઓની નફાતારવણીથી બજારમાં સુધારા કરતાં ઘટાડાની સંભાવના આમેય વધુ હોવાનું સ્થાનિક બ્રોકરો માને છે. તેથી એનએસઈ ખાતે નિફટી અગાઉના બંધ 10884થી નીચેમાં 10877 ખૂલીને 10833ના તળિયે ખાબક્યા પછી વેચાણો કપાતાં 10890 સુધી ગયો હતો, પરંતુ વધઘટ પછી નિફટી અગાઉના બંધથી 14 પૉઈન્ટ ઘટીને 10869.50 બંધ હતો. બીએસઈ ખાતે સેન્સેક્ષ 107 પૉઈન્ટના ઘટાડે 36134 બંધ રહ્યો હતો. જોકે, નાસ્દાક અને ડાઉ જોન્સ સુધર્યાં હતા.
નિફટીમાં 14 પૉઈન્ટનો નગણ્ય ઘટાડો છતાં રૂપિયામાં થોડી નબળાઈથી આઈટી ઈન્ડેક્ષ 1.76 પૉઈન્ટ સુધર્યો હતો. આ સિવાય મેટલ અને ફાર્મા અનુક્રમે 0.27 અને 0.12 સુધર્યાં હતા. બાકીના તમામ ઈન્ડેક્ષ ઘટીને બંધ રહ્યા હતા, જે બજારની એકંદર નકારાત્મકતા દર્શાવે છે. આરબીઆઈની બેઠક અગાઉ જાહેર ક્ષેત્રનો બૅન્કેક્સ અને ખાનગી ક્ષેત્રનો બૅન્કેક્સ બન્ને ઘટયા હતા. રૂપિયો આજે ડૉલર સામે 88 પૈસાના સુધારે 70.46 બંધ હતો. બીએસઈ ખાતે મિડકેપ માત્ર 0.15 ટકા ઊંચે, જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્ષ 0.32 ટકા સુધારે બંધ રહ્યો હતો. એનએસઈ ખાતે નિફટીના મુખ્ય શૅરમાં 25 શૅરમાં સુધારા સામે 25 શૅરના ભાવ ઘટયા હતા.
આજના સુધારામાં ટેક્નૉલૉજી શૅરો અગ્રેસર હતા. ટીસીએસ રૂા. 28, ઈન્ફોસીસ રૂા. 15, એચસીએલ ટેક્નૉલૉજી રૂા. 18, વિપ્રો રૂા. 7 સુધારે હતા. ફાર્મા વિભાગમાં ડૉ. રેડ્ડીસ રૂા. 36, સિપ્લા રૂા. 11, જ્યારે ક્રૂડ સુધરવા છતાં સરકારી તેલ કંપનીઓમાં વેચાણો કપાતાં બીપીસીએલ રૂા. 10 અને એચપીસીએલ રૂા. 3 વધ્યા હતા. રિયલ્ટી ક્ષેત્રે ઈન્ડિયા બુલ્સ રૂા. 21 અને આઈસીઆઈસીઆઈ રૂા. 2, બજાજ અૉટો રૂા. 29 વધ્યા હતા, જ્યારે ઝી એન્ટરટેઈનમેન્ટ રૂા. 10 ઉછળ્યો હતો.
આજે બજાર ઘટવાની આગેવાની લેતા એચડીએફસી બૅન્ક રૂા. 28 અને એચડીએફસી રૂા. 41, એસબીઆઈ રૂા. 4, અલ્ટ્રાટેક અને આરઆઈએલ અનુક્રમે રૂા. 16 અને રૂા. 4 ઘટાડે બંધ હતા. મારુતિ સુઝુકી નોંધપાત્ર રૂા. 58, એચયુએલ રૂા. 18, એમએન્ડએમ રૂા. 21, એશિયન પેઈન્ટમાં રૂા. 9નો અને ગ્રાસીમમાં રૂા. 19નો ઘટાડો મુખ્ય હતો.
આવતી કાલે બજારનો નરમાઈનો ઝોક ચાલુ રહેવાની સંભાવના જાણકારોએ વ્યક્ત કરી છે. બજારમાં આગામી દિવસોમાં રિટેલ ટ્રેડરોની ઉપસ્થિતિ ઘટવાથી બજારનો દોર સંસ્થાકીય અને સટ્ટાકીય ટ્રેડરોને આધીન રહેશે એમ જણાય છે. ટેક્નિકલી ઉપરમાં 10950નું રેસિસ્ટન્ટ અને નીચેમાં 10710 અને 10520-30નો ટેકો મહત્ત્વપૂર્ણ રહેશે.
વૈશ્વિક-એશિયન બજારો
અમેરિકન બજારોમાં સુધારો પાછો ફર્યો હતો. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 1.13 ટકા અને નાસ્દાક કમ્પોઝિટ 1.51 ટકા સાથે એલએન્ડપી 1.09 ટકા સુધર્યાં હતા. જોકે, ક્રૂડતેલના વધતા ભાવ અને ડૉલરમાં પુન: મજબૂતીથી એશિયા પેસિફિક શૅરનો એમએસસીઆઈ ઈન્ડેક્ષ 0.2 ટકા, ઓસ્ટ્રેલિયન બજારો 0.5 ટકા, સીઓલ ખાતે કોસ્પી 0.6 ટકા અને નિક્કી 0.3 ટકા ઘટાડે હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer