એમસીએક્સ ટેક કંપની અને સ્પોટ એક્સચેન્જ બાબતે શુક્રવારે નિર્ણય લેશે

મુંબઈ, તા. 4 ડિસે.
સાતમી ડિસેમ્બર, શુક્રવારે યોજનારી એમસીએક્સના બોર્ડની બેઠકમાં એનએસઈ અને બીએસઈની માફક એક ટેકનૉલૉજી કંપની તેમ જ બુલિયનમાં હાજરના સોદા તેમ જ ઊર્જા ક્ષેત્ર - એમ બે સ્વતંત્ર ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ સ્થાપવાની દરખાસ્તો બાબતે વિચાર કરશે. આ માટે બોર્ડ બે સ્વતંત્ર સબસિડિયરીઝ સ્થાપવા મંજૂરી આપશે તેવું અનુમાન છે. હાલમાં એમસીએક્સને ટેકનૉલૉજી અને ટ્રેડિંગ સોલ્યુશન્સનો સપોર્ટ સિક્સ્ટીથ્રી મૂન્સ ટેકનૉલૉજીસ (અગાઉની ફાઈનાન્સિયલ ટેકનૉલૉજીસ) પૂરો પાડી રહી હતી. પરંતુ હવે એક્સચેન્જ પોતાની ટેકનૉલૉજી કંપની સ્થાપવાનું વિચારી રહી હોવાની વાત દર્શાવે છે કે તે પોતાના ભૂતપૂર્વ સ્થાપક, પ્રમોટર સાથેના તમામ સંબંધો ઉપર પૂર્ણવિરામ મૂકવા માગી રહી છે.
ફાઈનાન્સિયલ ટેકનૉલૉજીસ અને એમસીએક્સ વચ્ચેનો ટેકનૉલૉજી માટેનો કરાર વર્ષ 2014માં પૂરો થયો હતો. પરંતુ એમસીએક્સે ચાર વર્ષ બાદ સંપૂર્ણ માલિકી ધરાવતી ટેક કંપની સ્થાપવા વિચાર્યું છે. ડિસેમ્બરમાં સરકાર ભારતમાં સ્પોટ એક્સચેન્જિસ માટે નીતિ એ નિયમનોનું માળખું ચોક્કસ માળખું આપે, તે પહેલાં નાણાં મંત્રાલયના એક વિશેષ અધિકારીએ એમસીએક્સ અને એનએસઈની મુલાકાત લીધી હતી. જોકે, સરકાર સીબીઆઈની પેન્ડિંગ એફઆઈઆર બાબતે કાયદાકીય મત જાણ્યા પછી જ આ શૅરબજારોને પરવાનો આપશે, તેમ સૂત્રોએ જણાવ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer