કૉમોડિટી વાયદાના કલાકો લંબાવવાના વિરોધમાં ગુજરાતમાં આંદોલન છેડાશે

અમદાવાદ, તા.4 ડિસે.
તાજેતરમાં બજાર નિયામક સિક્યુરિટીઝ ઍન્ડ એક્સ્ચેન્જ બોર્ડ અૉફ ઇન્ડિયા (સેબી)એ કૉમોડિટી વાયદાના ટ્રેડિંગ કલાકો લંબાવતા ટ્રેડર્સ અને બ્રોકર્સે વિરોધ કર્યો છે. તેમના મતે આ નિર્ણય સમજદારીભર્યો નથી. 
તેમના મતે આગળ જતા બજારમાં સટ્ટો વધશે અને એકંદર કૉમોડિટી બજાર ઉપર પ્રતિકૂળ અસર પડશે. કેટલાક બ્રોકર્સ અને ટ્રેડર્સે નિયામક સમક્ષ રજૂઆત કરીને 31 ડિસેમ્બરથી લાગુ થનારા નવા સમયનો અમલ નહીં કરવા માટે વિનંતી કરી છે. 
સેબીએ કૉમોડિટી વાયદાના ટ્રેડિંગ શરૂ થવાનો સમય 10 વાગ્યાથી વહેલો 9 વાગ્યાનો કર્યો છે, જ્યારે કૃષિ કૉમોડિટી વાયદાનું ટ્રેડિંગ પૂરો થવાનો સમય સાંજે સાડા પાંચ વાગ્યાથી લંબાવીને રાતના 9 વાગ્યાનો કર્યો છે. હાલમાં કેટલીક કૃષિ જણસો જેવી કે સોયાબીન, પામઓઈલ અને કપાસની આંતરરાષ્ટ્રીય ભાવની ડિસ્કવરી લિન્ક્સ રાત્રે 9 વાગ્યા સુધી ચાલે છે, પરંતુ સેબીએ દરેક જણસોનો સમય રાતના 9 વાગ્યા સુધીનો કર્યો છે.
ઊંઝા કૉમોડિટી એસોસિયેશનના પ્રેસિડેન્ટ વિજય જોશીએ કહ્યું કે, સેબીનો આ નિર્ણય અવ્યવહારુ છે. ટ્રેડિંગના કલાકો વધારવાથી ફક્ત સટોડિયાઓ અને વિદેશી કંપનીઓને ફાયદો થશે. કલાકો વધવાથી ભારતીય રોકાણકારોનું પ્રમાણ ઘટશે અને ટ્રેડિંગ ખર્ચમાં વધારો થશે. 
ગુજરાતમાં ટ્રેડર્સ સેબીના આ નિર્ણયનો વિરોધ કરવાનું વિચારી રહ્યા છે. એસોસિયેશને સેબી અને નેશનલ કૉમોડિટી ઍન્ડ ડેરિવેટિવ્ઝ એક્સ્ચેન્જ લિમિટેડ (એનસીડેક્સ)ને આ બાબતે પત્ર લખ્યો છે. કૉમોડિટી ટ્રેડર્સના મતે કૉમોડિટી વાયદા અને ફિઝિકલ બજાર એકબીજા સાથે સંકળાયેલા છે. દેશમાં એપીએમસીઓ સવારે 10 થી સાંજે પાંચ વાગ્યા સુધી ચાલે છે, તે પછી કોઈ પણ વેપારી વાયદામાં ટ્રેડિંગ કરવા ઈચ્છા ધરાવતા નથી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer