ગાર્મેન્ટ નિકાસકારોને ડયૂટી ડ્રોબેક દર વધારી આપવાની માગણી

એજન્સીસ
ચેન્નઈ, તા. 4 ડિસે.
તિરુપુર એક્સ્પોટર્સ એસોસિયેશને નીટવેર/રેડીમેડ ગાર્મેન્ટ ક્ષેત્ર માટેના ડયૂટી ડ્રોબેકના ઓલ ઈન્ડસ્ટ્રી દર જે અત્યારે 2 ટકા છે તે વધારી 4.5 ટકા કરી આપવાની માગણી કરી છે.
ડયૂટી ડ્રોબેકના ઓલ ઈન્ડસ્ટ્રી દર સામાન્યત: સપ્ટેમ્બર-અૉક્ટોબરમાં જાહેર થઈ જતા હોય છે, પણ આ વર્ષે હજી જાહેર થયા નથી. એમ લાગે છે કે યુએસ ડૉલર સામે ભારતીય રૂપિયો નબળો પડતા ભારત સરકાર જાહેરાતમાં વિલંબ કરી રહી છે. રૂપિયાની નબળાઈનો લાભ અલ્પજીવી નીવડયો છે અને નીટવેર નિકાસકારો અત્યારથી જ મુશ્કેલી અનુભવી રહ્યા છે.
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ભારતમાંથી કુલ નીટવેર નિકાસ 10.8 ટકા ઘટી રૂા. 26,056 કરોડની થઈ છે, જે આગલા વર્ષના આ જ ગાળામાં રૂા. 29,210 કરોડ હતી.
તિરુપુરમાંથી ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 6 મહિનામાં નીટવેર નિકાસ 11 ટકા ઘટી રૂા. 12,100 કરોડની થઈ છે, જે આગલા વર્ષના આ જ ગાળામાં રૂા. 13,600 કરોડ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer