આવકવેરાના રિટર્ન્સ ફાઇલિંગમાં આ વર્ષે 50 ટકાનો વધારો થયો : સીબીડીટી

પીટીઆઇ
નવી દિલ્હી, તા. 4 ડિસે.
સેન્ટ્રલ બોર્ડ અૉફ ડાયરેક્ટ ટૅક્સિસ (સીબીડીટી)ને આ વર્ષે 6.08 કરોડ ઇન્કમ-ટૅક્સ રિટર્ન્સ પ્રાપ્ત થયાં છે જે આગલા વર્ષની તુલનાએ 50 ટકા અધિક છે એમ સીબીડીટીના ચૅરમૅન સુશીલ ચંદ્રે અહીં કૉન્ફેડરેશન અૉફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ) દ્વારા યોજાયેલી ઇન્ટરનૅશનલ ટૅક્સ કૉન્ફરન્સમાં કહ્યું હતું.
કૉર્પોરેટ ટૅક્સ રિટર્ન્સ વધીને આઠ લાખ થયાં છે. છેલ્લાં ચાર વર્ષમાં ઇન્કમ-ટૅક્સ રિટર્ન્સ ફાઇલ કરવાની સંખ્યામાં 65 ટકાનો વધારો થયો છે એમ ચંદ્રે ઉમેર્યું હતું. બજેટમાં મૂકવામાં આવેલા અંદાજને અતિક્રમી જવાશે? એના ઉત્તરમાં તેમણે કહ્યું કે વર્તમાન વર્ષના લક્ષ્યાંકને પહોંચી વળવાનો મને વિશ્વાસ છે. અત્યાર સુધીમાં બજેટના અંદાજના 48 ટકા વેરો એકત્ર કરવામાં આવ્યો છે. ગયા વર્ષે અમે 48 ટકા લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. હજી ઍડ્વાન્સ ટૅક્સના બે હપ્તા બાકી છે એટલે બજેટનો લક્ષ્યાંક પાર ન થાય એ માટેનું કોઈ કારણ નથી એમ ચંદ્રે કહ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer