સુરતમાં ઓએનજીસીની ગૅસ પાઈપલાઈનનો વિવાદ વકર્યો

મંજૂરી વિના પાઈપલાઈન નાખવાનો પ્રયાસ થતાં ખેડૂતો વિફર્યા
 
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 4 ડિસે.
ઓએનજીસીએ મંજૂરી લીધા વિના જ ખેતરોમાં પાઈપલાઈન નાખવાનો પ્રારંભ કરતાં ખેડૂતો વિફર્યા છે. શહેરનાં ઓલપાડ તાલુકાનાં કેટલાંક ખેતરોમાં ઓએનજીસીએ કોઈ પ્રકારની પ્રાથમિક મંજૂરી લીધા વિના જ ખેતરોમાં પાઈપલાઈન નાખવાનો પ્રયાસ કરતાં ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થયા હતાં. એ કારણે  અધિકારીઓ અને પાઈપલાઈન નાખવા માટે આવેલાં મજૂરોએ સ્થળ છોડવાની ફરજ પડી હતી. 
ઓએનજીસી દ્વારા હજીરાથી અંકલેશ્વર સુધી ગૅસ પાઈપલાઈન નાખવાનું કામ શરૂ કરાયું છે. પાઈપલાઈન નાખવા માટેની મોટાભાગની જગ્યા ખાનગી માલિકીની છે. ખેતરોમાંથી ગૅસ પાઈપલાઈન પસાર થનાર છે. એવામાં ખેડૂતો દ્વારા કંપનીને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કંપનીએ પાઈપલાઈન નાખવાનું કાર્ય અટકાવ્યું નથી. એવામાં ફરીથી ઓએનજીસીનાં કર્મચારીઓએ ઓલપાડનાં શેરડી ગામનાં ખેતરોમાં પાઈપલાઈન નાખવાનું કાર્ય કરતાં હતાં ત્યારે તેનો ઘેરાવો ખેડૂતોએ કર્યો હતો. ખેડૂતોએ ઉગ્ર શબ્દોમાં બોલાચાલી કરીને કર્મચારીઓને પાઈપલાઈન નાખવાની કામગીરી અટકાવતાં અંતે કર્મચારીઓએ જગ્યા છોડીને જવું પડયું હતું.
ખેડૂતોની નારાજગીનાં પગલે તાબડતોબ જિલ્લા કલકેટર સાથે આ મામલે બેઠક યોજવાનું નક્કી કરાયું છે. ગઈકાલે આ મામલે એક બેઠક યોજાઈ હતી જેમાં કલેક્ટરે શાંતિથી બન્ને પક્ષોને સાંભળીને ઉકેલ લાવવાની ખાત્રી આપી છે. દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજનો આક્ષેપ છે કે અમારો પાઈપલાઈન નાખવા સામે કોઈ વિરોધ નથી પરંતુ ખેડૂતોની પૂર્વ મંજૂરી લીધા વિના આ પ્રકારે કાર્ય કરવું યોગ્ય નથી. 
ઓએનજીસી દ્વારા પાછલાં ચાર વર્ષથી હજીરાથી અંકલેશ્વર સુધી બાર ઈંચની ગૅસ પાઈપલાઈન નાખવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. પરંતુ, ખેડૂતોનો રોષ ભભૂકતાં પાઈપલાઈન નાખવાનું કામ અધ્ધરતાલ છે. ફરી એક વખત કંપનીએ પ્રયત્ન કરતાં ખેડૂતોએ પોતાની નારાજગી દર્શાવી છે. 
પ્રાપ્ત થતી માહિતી મુજબ ખેડૂતોને પાઈનલાઈનની જગ્યા આપવા માટે રૂા. 28500નું વળતર નક્કી કરાયું છે જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. કલેક્ટરની અધ્યક્ષતામાં આ મામલે બેઠક યોજાશે જેમાં જમીન સંપાદન અધિકારી, ઓએનજીસી કંપનીના અધિકારી, ઓલપાડ અને ચોર્યાસી તાલુકાના 16 અસરગ્રસ્ત ગામનાં એક-એક ખેડૂત પ્રતિનિધિ ઉપસ્થિત રહેશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer