સુરતમાં હીરાનાં નાનાં કારખાનાઓ આર્થિક ભીંસમાં

દિવાળી વૅકેશન બાદ કેટલાંક કારખાનાઓ હજુ ખૂલ્યાં નથી

ખ્યાતિ જોશી
સુરત, તા. 4 ડિસે.
દિવાળી વૅકશન બાદ હીરાનાં મોટા કારખાનાઓ રાબેતા મુજબ થયા છે જ્યારે 25 ટકા નાના કારખાનાઓ કે જેઓ પાસે 15થી લઈને 50 ઘંટીઓ છે તેવા કારખાનાઓ હજુ શરૂ થયા નથી. આમાંથી કેટલાંક નાનાં કારખાનાઓ આર્થિક ભીંસમાં હોવાનું જાણવા મળ્યું છે.
વૈશ્વિક સ્તરે પૉલિશ્ડ હીરાની માગમાં સુધારો નોંધાયો નથી. દિવાળી અગાઉ અમેરિકન ડૉલરનાં ભાવમાં આવેલાં ઉછાળાનાં કારણે હીરાની માગનાં ઘટાડા સાથે ઘરઆંગણે હીરાનાં કામકાજને મોટી અસર પહોંચી છે. આ સાથે દિવાળી અગાઉ મોટી સંખ્યામાં હીરાનાં દલાલો અને વેપારીઓનાં ઉઠમણાં પ્રકાશમાં આવ્યા હતાં. જે દૌર હજુ યથાવત ચાલુ છે. તાજેતરમાં જ મુંબઈ-સુરતનાં ત્રણ હીરાનાં વેપારીઓ રૂા. 50 કરોડમાં ઊઠી ગયા હોવાનું બહાર આવ્યું છે.  
સુરત રત્નકલાકાર સંઘનાં પ્રમુખ જયસુખભાઈ ગજેરા જણાવે છે કે, અમારી પાસે કેટલાંક નાના કારખાનાઓમાં કારીગરોને છૂટ્ટા કરી દીધા હોવા ઉપરાંત કેટલાક કારીગરોને એક મહિના પછી આવજો તેવી કહી રવાના કરી દીધા હોવાની ફરિયાદ આવી છે. શહેરનાં અશ્વિન ડાયમંડ કંપનીનાં 146 કારીગરોને છૂટા કરી દીધા છે. તેમ જ નાના કારખાનાઓમાંથી કેટલાક કારખાનેદારો 10 ડિસેમ્બર પછી આવજો તેવું કહી કારીગરોને રવાના કર્યા છે. 
સુરત ડાયમંડ ઍસોસિયેશનનાં પ્રમુખ બાબુભાઈ ગુજરાતી કહે છે કે, સ્થિતિ થોડી નાજુક છે પરંતુ કારખાનાઓ આર્થિક ભીંસમાં હોવાની વાત સત્યથી વેગળી છે. હીરાનાં 80 ટકા કારખાનાઓ ચાલુ થઈ ગયા છે. જે 15-20 ટકા કારખાનાઓ હજુ શરૂ થયા નથી તે કારખાના રાબેતા મુજબ થતાં એકાદ સપ્તાહનો સમય થશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, ઍસોસિયેશન પાસે દિવાળી બાદ કારીગરો છૂટ્ટા કરાયા હોય તેવી કોઈ ફરિયાદ આવી નથી. અમારી પાસે ફરિયાદ આવશે તો અમે ચોક્કસ તે દિશામાં પગલાં લેશું.
હીરાબજારનાં વર્તુળો જણાવે છે કે ઓછી ઘંટીઓ ધરાવતાં કારખાનાઓ આર્થિક ભીંસમાં આવ્યા છે. આ કારખાનેદારો પાસે જોબવર્કના કામ ન હોવાથી કારીગરોને પગારનાં નાણાં ચૂકવવાનાં ફાંફા પડે તેવી સ્થિતિ હોવાથી કારખાના શરૂ કરાયા નથી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer