ખેડૂતોએ માલ પકડી રાખતાં કપાસની આવકો ધીમી પડી

કોઇમ્બતૂર/બેંગલુરુ, તા. 4 ડિસે.
ખેડૂતોએ ઊંચા ભાવની આશામાં માલ પકડી રાખવાથી કપાસની આવકો મંદ પડી ગઈ છે. જોકે મિલો પાસે રૂનો પૂરતો સ્ટૉક હોવાથી મોસમની શરૂઆતમાં જોવાયેલા આવક ઘટાડાની તેમના પર ખાસ અસર થઈ નથી.
આ વર્ષે 1 અૉક્ટોબરથી 28 નવેમ્બર સુધીમાં કપાસની કુલ આવકો 65.79 લાખ ગાંસડી (170 કિલોની એક) હતી, જે ગયા વર્ષની એ જ સમયગાળાની 95.09 લાખ ગાંસડી કરતાં 31 ટકા ઓછી છે. જોકે મોટા ભાગની મિલો પાસે બે મહિના ચાલે તેટલો રૂનો સ્ટૉક પડયો હોવાથી માગ સામાન્ય જ રહી છે.
``યાર્નમાં વધઘટ સંકડાઈ ગઈ છે; સમગ્ર મૂલ્ય શૃંખલામાં મંદતા નજરે પડે છે. એટલે મિલો ખેડૂતો કે વેપારીઓની પાછળ દોડતી નથી. એમ ઇન્ડિયન ટેક્સપ્રિનર્સ ફેડરેશન (આઈટીએસ)ના મંત્રી પ્રભુ દામોદરને કહ્યું હતું.
વાસ્તવમાં મિલો અને મલ્ટિનેશનલ ગ્રાહકોની ખરીદી ઠંડી રહેવાથી આવકો ઘટવા છતાં ભાવ દબાયા છે. ``મિલોને ઊંચા ભાવે ખરીદવામાં રસ નથી. સાથોસાથ મલ્ટિનેશનલ વેપારીઓ પણ બજારમાં સક્રિય નથી. કારણકે હાલના ભાવ તેમને માટે અનુકૂળ નથી,'' એમ રાયચુરના કમિશન એજન્ટ રામાનુજ દાસ બૂબે કહ્યું હતું.
રૂના ભાવ અૉક્ટોબરના પ્રારંભમાં ખાંડી (356 કિલો) દીઠ રૂા. 48,000 આસપાસ હતા તે હાલ ઘટીને જાતવાર રૂા. 44,200-44,800 બોલાય છે. ડિસેમ્બરની મધ્યથી આવકો સુધારવાની ધારણા છે એમ બૂબે કહ્યું હતું.
મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં કપાસના ભાવ ક્વિન્ટલ દીઠ રૂા. 5800-5860 જેવા ચાલે છે, જ્યારે તેલંગણામાં તે રૂા.5450ના ટેકાના ભાવની નજીક છે. કૉટન કૉર્પોરેશને તેલંગણા અને ઓરિસ્સામાં ખરીદી શરૂ કરી છે.
ઉદ્યોગનાં વર્તુળોને લાગે છે કે ડૉલરનો ભાવ રૂા. 70ની નીચે ચાલ્યો ગયો હોવાથી હાલ રૂની નિકાસના સંયોગો ધૂંધળા છે. સામે પક્ષે ``મિલોએ રૂની આયાત વિશે હજી કોઈ નિર્ણય લીધો નથી કેમ કે દેશી રૂની ગુણવત્તા સારી છે. અને ભાવ પણ બહાર કરતાં નીચા છે.'' એમ સધર્ન ઇન્ડિયા મિલ્સ ઍસોસિયેશનના મહામંત્રી સેલ્વારાજુએ કહ્યું હતું. ``મિલો આયાત તો કરશે, પણ એમને અૉગસ્ટ-સપ્ટેમ્બરમાં સીઝન પૂરી થવા આવશે ત્યારે જરૂર પડશે. આ વર્ષે 15-20 લાખ ગાંસડીની આયાત થવાની ધારણા છે,'' એમ તેમણે ઉમેર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer