સુરતીઓએ આંતરરાષ્ટ્રીય ઉડાન માટે લાંબી રાહ જોવી પડશે

સુરતીઓએ આંતરરાષ્ટ્રીય ઉડાન માટે લાંબી રાહ જોવી પડશે
ઍર ઇન્ડિયા એક્સ્પ્રેસે દિવસનો સમય માગતાં હવે વધુ વિલંબ થશે

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 4 ડિસે.
ખાનગી ઍરલાઈન્સ ઍર ઇન્ડિયા એક્સ્પ્રેસે સુરતથી પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ કરવા માટે દિવસનો સ્લોટ માગ્યો છે. દિવસ દરમિયાન ડોમેસ્ટિક ફ્લાઈટથી ધમધમતાં સુરત ઍરપોર્ટ પર વહેલી સવાર કે બપોરનાં સ્લોટમાં આંતરરાષ્ટ્રીય ઍર કનેક્ટિવીટી શરૂ કરવી અત્યંત મુશ્કેલ હોવાથી  સુરતીઓએ વધુ સમય રાહ જોવી પડે તેમ છે. ખાનગી ઍરલાઈન્સનાં યુ-ટર્ન બાદ હવે જ્યાં સુધી નવું ટર્મિનલ બિલ્ડિંગ નહિ બને ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય અૉપરેશન શક્ય ન હોવાનું જણાય રહ્યું છે.
સુરત અને નવસારીનાં સાંસદો અનુક્રમે દર્શના જરદોશ, સી. આર. પાટીલે સુરતને   વહેલી તકે આંતરરાષ્ટ્રીય ઍર કનેક્ટિવીટી આપવાનાં વચનો આપ્યા હતા, તે હવે પોકળ સાબિત થતાં હોય તેવું લાગી રહ્યું છે. સુરત ઍરપોર્ટ ડૉમેસ્ટિક ફ્લાઈટનાં અૉપરેશનોથી ધમધમતું થયું છે. દિવસની 30થી વધુ ફ્લાઈટનું ઉડાન સુરત ઍરપોર્ટથી થઈ રહ્યું છે. 30મી નવેમ્બરથી સુરત ઍરપોર્ટથી ગોવાની ત્રીજી ડેઈલી ફ્લાઈટની શરૂઆત થઈ છે. આ ઉપરાંત જેસલમેર, ઉદેપુર અને વારાણસીની પણ કનેક્ટિવીટી શરૂ થતાં સુરતીઓનો આનંદ બેવડાયો છે. 
જોકે, પાછલાં પાંચ વર્ષમાં સુરતીઓ શારજહાંની ફ્લાઇટની રાહ જોઇ રહ્યા છે તે મુદ્દે હજુ સમય પસાર કરવો પડે તેમ છે. મુશ્કેલી સમયને લઇને છે.
સુરત ઍરપોર્ટ એકશન કમિટીનાં સંજય એઝાવા કહે છે કે ઘણાં વર્ષોથી સુરતીઓને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ આપવાની વાતો ચાલી રહી છે. ખાનગી ઍરલાઈન્સે દિવસનો સ્લોટ માગતા તમામ વાત અટકી પડી હોવાનું દૃશ્ય ઉપજ્યું છે. અમે આ મામલે ઍરલાઈન્સનાં સીઈઓ સાથે આગામી દિવસોમાં બેઠક કરી ફરી રજૂઆત કરવાનાં છીએ. ઍરપોર્ટ અૉથોરિટીને તમામ રજૂઆત અગાઉથી કરી દેવામાં આવી છે. સુરતીઓનાં પડતર પ્રશ્ને જો કોઈ ઉકેલ નહિ આવે તો અમે આગામી મહિનાથી આંદોલન શરૂ કરીશું. 
અત્રે નોંધવું કે, ખાનગી ઍરલાઈન્સે અગાઉ રાત્રિનાં સ્લોટ માટે હા ભણી હતી. બે વખત માટે ફ્લાઈટનું શેડયુલ પણ સુરત ઍરપોર્ટ અૉથોરિટીને મોકલ્યું હતું. રાત્રિનાં બે કલાકે ફ્લાઈટનું આગમન અને બે કલાક બાદ સુરતથી શારજહાંની જશે તેવું ટાઈમ-ટેબલ પણ બનાવવામાં આવ્યું હતું. પરંતુ, અચાનક જ કંપની દ્વારા યુ-ટર્ન લેવામાં આવતાં સુરતીઓનાં સપનાંઓ તૂટયા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer