મુન્દ્રાના અદાણી-તાતાને વીજ દરમાં યુનિટે 80 પૈસાનો વધારો મંજૂર

મુન્દ્રાના અદાણી-તાતાને વીજ દરમાં યુનિટે 80 પૈસાનો વધારો મંજૂર
કોલસાના ભાવવધારાનું કારણ આપીને વીજળી આપવાનું બંધ કર્યું હતું, નવા દરે ફરી પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ થશે
 
અમારા પ્રતિનિધિ તરફથી
 ભુજ, તા. 4 ડિસે.
કોલસાના ભાવ વધારાનું કારણ આપીને અદાણી, એસ્સાર અને તાતા કંપનીએ ગુજરાત સરકારને વર્તમાન કરારના ભાવે વીજળી આપવાનું બંધ કર્યા બાદ સરકારે રચેલી કમિટીની ભલામણોને ધ્યાને લઇને ગુજરાત સરકારે આ ત્રણેય કંપનીઓ પાસેથી ખરીદાતી વીજળીના પ્રવર્તમાન વીજ દરોમાં પ્રતિ યુનિટ 40થી 80 પૈસા સુધીનો વધારો કરવાની મંજૂરી આપી છે. 
ભાવ વધારાની સીધી અસર ગ્રાહકો સુધી થશે. સુપ્રીમ કોર્ટ દ્વારા ત્રણેય કંપનીઓને વીજ દરમાં વધારો કરવાનો ઇન્કાર કરાયા બાદ રાજ્ય સરકારે કમિટીની રચના કરી હતી. આ કમિટીની ભલામણોનો સરકારે મહદઅંશે સ્વીકાર કર્યો છે. સરકાર હવે ત્રણેય કંપનીઓને બોલાવીને સુધારેલા દર સાથેનો નવો પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ કરશે. 
એવી શરત મુકાશે કે 10 વર્ષ પછી આ પીપીએ રદ કરવાનો સરકારને સંપૂર્ણ અધિકાર રહેશે. વીજળીની ખરીદી અંગે પણ સરકારનું નિયંત્રણ રહેશે. હાલ કોલસાનો ભાવ પ્રતિ મેટ્રિક ટન 100 ડૉલર છે, 110 ડૉલર સુધીનો ભાવ થાય ત્યાં સુધી જ વધારાનો ભાવ કંપનીઓને મળશે. આ ત્રણેય કંપનીઓ પાસેથી સરકાર 5000 મેગાવોટ જેટલી વીજળી ખરીદે છે. 
 સરકારી સૂત્રોએ એવો દાવો કર્યો હતો કે આ કંપનીઓને વીજ દરમાં વધારો કરવામાં આવ્યા બાદ પણ તેમના દર ટેરીફ ઓર્ડરમાં આવે છે. આ કંપનીઓએ વીજળી આપવાનું બંધ કરતા છેલ્લા ત્રણ ચાર મહિનાથી 4 રૂપિયાથી લઇને 7 રૂપિયા યુનિટના ભાવે વીજળી ખરીદવામાં આવે છે. જેથી ફ્યૂઅલ સરચાર્જ વધારે છે. હાલ ફ્યૂઅલ સરચાર્જ 1.71 રૂા. છે. જેમાં 13 પૈસાનો વધારો માગવામાં આવ્યો છે. આ ત્રણેય કંપનીઓ વીજળી આપવાનું શરૂ કરશે તે પછી ફ્યૂઅલ સરચાર્જમાં 8થી 10 પૈસાનો ઘટાડો થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer