તહેરાન, તા. 4 ડિસે.
અમેરિકા સામે ફરીથી શિંગડાં ભરાવતા ઈરાનના પ્રમુખ હસન રુહાનીએ ઈરાની અખાતમાંથી તેલની હેરફેર અટકાવી દેવાની ધમકી આપી હતી.
``અમેરિકાને ખબર હોવી જોઈએ કે તે ઈરાનના તેલની નિકાસ રોકી શકે તેમ નથી. જો અમેરિકા એવું કરવાનો પ્રયાસ કરશે તો ઈરાની અખાતમાંથી તેલની નિકાસ સાવ બંધ થઈ જશે,'' એમ તેમણે એક જાહેરસભામાં કહ્યું હતું.
ઈરાન છેક 1980ના દાયકાથી એવી ધમકી આપતું આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય દબાણના વિરોધમાં તે અખાતમાંથી તેલની રવાનગી અટકાવી દેશે, પરંતુ અત્યાર સુધી તેણે આ ધમકીનો અમલ કર્યો નથી.
અમેરિકાએ ઈરાન સાથેની 2015ની સીમાચિહ્નરૂપ અણુસંધિ તોડી નાખ્યા પછી તેના પર તેલની નિકાસબંધી સહિતના અનેક પ્રતિબંધો ફરીથી નાખ્યા છે. તેણે ઈરાનની તેલની નિકાસ શૂન્ય પર લાવી દેવાનો ઈરાદો જાહર કર્યો છે, પરંતુ આઠ મોટા ખરીદદાર દેશોને પ્રતિબંધોમાંથી કામચલાઉ મુક્તિ આપી છે.
રુહાનીએ અગાઉ જુલાઈ મહિનામાં પણ અખાતનું તેલ બંધ કરવાની ધમકી આપતા અમેરિકાને ચેતવણી આપી હતી કે સિંહની પૂંછડી સાથે રમત કરશો નહીં. રુહાનીએ આર્થિક પ્રતિબંધોની અસરને મામૂલી ગણાવી હતી અને કહ્યું હતું કે પ્રસાર માધ્યમો ઈરાનની સમસ્યાઓ વિશે અતિશયોક્તિ કરી રહ્યા છે.
અખાતમાંથી તેલની હેરફેર અટકાવી દેવાની ઈરાનની ધમકી
