નેશનલ હેરલ્ડ કૌભાંડ

નેશનલ હેરલ્ડ કૌભાંડ
સોનિયા, રાહુલ સામેનો કેસ ફરી ખોલવા આવકવેરા ખાતાને કોર્ટની મંજૂરી
 
નવી દિલ્હી, તા. 4 ડિસે.
 નેશનલ હેરલ્ડ કેસમાં સર્વોચ્ચ અદાલતે આજે ટોચના કૉંગ્રેસી નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના 2011-12ના ઇન્કમ ટૅક્સ એસેસમેન્ટ ફરીથી તપાસવાની પરવાનગી આવકવેરા ખાતાને આપી હતી.
જોકે સર્વોચ્ચ અદાલતે આવકવેરા ખાતાને કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી અને તેમનાં માતા સોનિયા ગાંધી સામેની કાર્યવાહીમાં તેના આદેશનો, કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી અમલ કરવાની મનાઈ ફરમાવી હતી.
અદાલતે સ્પષ્ટતા કરી હતી કે તે આ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ રજૂ કરેલી કેફિયતના ગુણદોષ વિશે કોઈ અભિપ્રાય વ્યક્ત કરી રહી નથી. આ કરવેરાનો કેસ નેશનલ હેરલ્ડ કૌભાંડ સાથે સંકળાયેલો છે જેમાં આ માતાપુત્ર સામે ફોજદારી કાર્યવાહી થઈ રહી છે.
જસ્ટિસ એ. કે. સિકરીના વડપણ હેઠળની બેન્ચે આગલી સુનાવણી 8 જાન્યુઆરી સુધી મોકૂફ રાખી હતી.
આવકવેરા ખાતા વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે અદાલતે આવકવેરા ખાતાને સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય લોકો સામેના આકારણી આદેશોનો અમલ કરતાં અટકાવવું જોઇએ નહીં. અદાલતે કેસની સુનાવણી કરીને યોગ્ય આદેશ આપવો જોઇએ એવું તેમણે કહ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer