જીએસટી રિટર્નનાં `સરલ'' ફૉર્મ એક એપ્રિલથી ઇશ્યુ થશે

જીએસટી રિટર્નનાં `સરલ'' ફૉર્મ એક એપ્રિલથી ઇશ્યુ થશે
પીટીઆઇ
નવી દિલ્હી, તા. 4 ડિસે.
એપ્રિલની પહેલી તારીખથી ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (જીએસટી) રિટર્નનાં નવાં સરલ ફૉર્મ બહાર પાડવામાં આવશે એમ મહેસૂલ સચિવ અજય ભૂષણ પાંડેએ મંગળવારે કહ્યું હતું.
તેમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બજેટમાં નક્કી કરાયેલા જીએસટીના લક્ષ્યાંકને પૂરો કરી શકાશે અને મહેસૂલ વિભાગ જે હસ્તીઓ વેરો ગુપચાવી રહી છે તેમની માહિતી પ્રાપ્ત કરી રહ્યો છે. વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ આઠ મહિના (એપ્રિલ-નવેમ્બર)માં 7.76 લાખ કરોડ રૂપિયા કરની પ્રાપ્તિ કરી છે. 2018-'19 માટેનો લક્ષ્યાંક બજેટમાં 13.48 લાખ કરોડ નક્કી કરવામાં આવ્યો છે જેનો અર્થ એ થાય કે મહિને 1.12 લાખ કરોડ રૂપિયા એત્ર કરવાનો લક્ષ્યાંક છે.
આ મહિને (નવેમ્બરમાં) ઘટ રૂા. 4000 કરોડની રહી છે. કોઈ પણ તારણ પર પહોંચવા માટે અમારી પાસે વધુ મહિનાના ડેટા હોવા જોઈએ. અમારો મહિનાનો લક્ષ્યાંક એક લાખ કરોડ રૂપિયાનો છે જે વધારીને અમે 1.10 લાખ કરોડ રૂપિયા કરવા માગીએ છીએ એમ પાંડેએ ડિપાર્ટમેન્ટ અૉફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ના સ્થાપના દિનના કાર્યક્રમ સમયે પત્રકારોને જણાવ્યું હતું. નવેમ્બરમાં જીએસટીનું કલેક્શન રૂા. 97,637 કરોડ થયું છે.
વધુમાં તેમણે કહ્યું કે રિફન્ડ પ્રક્રિયાને વધુ સ્ટ્રીમલાઇન કરવામાં આવી રહી છે જેથી એ સંપૂર્ણપણે અૉનલાઇન અને કરદાતાઓ માટે અનુકૂળ બની રહે.
જ્યારે પૂછવામાં આવ્યું કે રિટર્નનાં સરલ ફૉર્મ્સ ક્યારે આવશે? એના જવાબમાં પાંડેએ કહ્યું કે અમે પહેલી એપ્રિલથી વિતરણ શરૂ કરીશું. 
જુલાઈમાં સેન્ટ્રલ બોર્ડ અૉફ ઇન્ડાયરેક્ટ ટૅક્સિસ ઍન્ડ કસ્ટમ્સે નમૂનાનાં જીએસટી ફૉર્મ્સ `સહજ' અને `સુગમ'ને સાર્વજનિક ટિપ્પણ માટે જાહેર કર્યાં હતાં. આ ફૉર્મ્સ જીએસટીઆર-3બી (સમરી સેલ્સ રિટર્ન ફૉર્મ) અને જીએસટીઆર-વન (અંતિમ વેચાણ રિટર્ન ફૉર્મ)નું સ્થાન લેશે. જીએસટી કાઉન્સિલની આગામી માટિંગ કેન્દ્રના નાણાપ્રધાનની આગેવાનીમાં આગામી મહિને મળશે એમ પાંડેએ કહ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer